Site icon Revoi.in

પોરબંદરનો ઈતિહાસ: સુદામાનું અને મહાત્મા ગાંધીનું જન્મસ્થાન, વાંચો મહત્વની વાતો

Social Share

પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું સમુદ્રકાંઠાનું શહેર છે. તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકા અને જિલ્લાનું વડુંમથક પણ છે. પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે. મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે, પોરબંદર આજે આંતરરષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલ્વેલાઇનથી જોડાયેલું છે. અહીંનુ બંદર લગભગ ૨૦મી સદીના અંતભાગમાં બનાવવામાં આવ્યું છે.

પોરબંદર અને આસપાસમાં કરવામાં આવેલા પૂરાતત્વીય સંશોધનોથી જાણવા મળે છે કે આ વિસ્તાર ઇસવિસન પૂર્વ ૧૬મીથી ૧૪મી સદીની હડપ્પન સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. જે બેટ દ્વારકા સંલગ્ન પણ છે. પોરબંદર હડપ્પન સમયમાં સૌરાષ્ટ્ર વિસ્તારનું મહત્વનું સમૂદ્રી બંદર હશે તેમ અહીંની ખાડીમાં મળી આવેલ પ્રાચીન જેટી તથા અન્ય પૂરાવાઓથી જાણવા મળે છે.

અંગ્રેજ શાસન સમયમાં પોરબંદર રજવાડું હતું. રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું.રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. ૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ. ૨૧,૦૦,૦૦૦/- હતી. રાજ્યકર્તાને “મહારાજા રાણાસાહેબ”નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.

મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાના કારણે અહીં દેશ વિદેશનાં પ્રવાસીઓ આવે છે, પરંતુ પ્રવાસી સગવડોનો હજુ થોડો અભાવ છે. કિર્તીમંદિર આસપાસનો વિસ્તાર પુન:નિર્માણ કરી અને તેને ‘શાંતિનું મંદિર’ બનાવવાનું કામ ચાલુ છે. પોરબંદરનો સુંદર દરિયાકિનારો અને ચોપાટી પર સત્તાવાળાઓએ સરસ બેઠકો તથા સ્કેટીંગરીંગ વગેરે બનાવેલ છે.

ફીશરીઝ અને માછલાની નિકાસ પોરબંદરના મુખ્ય રોજગાર છે. જે પુષ્કળ માણસોને રોજીરોટી પુરી પાડે છે. અહીં દેશ અને રાજ્યનાં ટોચના નિકાસકારો છે.

ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર પોરબંદરની વસ્તી ૧,૫૨,૭૬૦ હતી જેમાં પુરૂષો ૭૮,૦૯૭ અને મહિલાઓ ૭૩,૬૭૩ હતી. શિક્ષણનો દર ૮૫.૭૬% હતો. પુરૂષ શૈક્ષણીકતા ૯૦.૬૮% અને સ્ત્રી શૈક્ષણીકતા ૮૦.૫૭% હતી. પોરબંદર મેટ્રોપોલિટન વિસ્તારોમાં છાંયા, ખાપટ, પોરબંદર અને ઝાવર (આંશિક‌)નો સમાવેશ થાય છે.