પોરબંદરનો ફોદાળા અને ખંભાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયાં સાબદા
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલમાં અનેક જળાશયો છલકાયાં છે. દરમિયાન પોરબંદરના બે ડેમ ઓવરફ્લો થતા સાવચેતીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. દરમિયાન આજે મેઘરાજાએ વિરામ લેતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને પોરબંદર શહેરમાં પીવાનું પાણી પૂરું પડતા ફોદાળા અને ખંભાળા બંને ડેમ છલકાઇ ગયા છે. ભાણવડ પાસે આવેલ ફોદાળા ડેમ અને ખંભાળા ગામે આવેલા ખંભાળા ડેમ 100 ટકા ભરાઇ જતા બંને ડેમ ઓવરફલો થઇ ગયા છે. પોરબંદરની જીવાદોરી સમાન આ બંને ડેમ ઓવરફલો થતા પોરબંદરને પીવાના પાણીની છત થઇ ગઇ છે. ડેમમાં પાણીની ભારે આવક થતા પોરબંદરના શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે.
પોરબંદર શહેરને પ્રતિદિન પીવાના પાણી માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફોદાળા તેમજ ખંભાળા ડેમમાંથી નર્મદાની પાઇપલાઇન મારફતે પાલિકાને પાણી આપવામાં આવે છે. આ સાથે આ બંને ડેમ ઓવરફલો થતા સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા હેઠવાસમાં આવતા રાણાવાવ તાલુકાના બીલેશ્વર, હનુમાનગઢ, ગાંડીયાવાળા નેશ, સાજનવાળા નેશ, ઝારેરા નેશ, અસિયાપાટ, કાઠીયાનેશ, અશીયાપાટ, રાણાખીરસરા, રાણાકંડોરણા, રાણા વડોત્રરા, ખીજદળ, જાંબુ, ઠોયાણા તેમજ જામજોધપુર તાલુકાના તરસાઈ, સખપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 24 કલાક દરમિયાન 164 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. બીજી તરફ મેઘરાજાએ વિરામ લેતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આગામી ચારેક દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.