કોરોનાને લીધે લગ્નો રદ થતાં મંડપ, કેટરીંગ, હોટેલ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મંદીનું મોજું
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે લગ્ન સમારોહમાં માત્ર 150 લોકો જ હાજર રહી શકશે તેવા નિયમને કારણે મંડપ, ડેકોરેશન, કેટરિંગ, હોટલ અને ઈવેન્ટના ધંધા સાથે સંકળાયેલાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.
કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી અનેક ધંધા રોજગારને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા માટે કપરા દિવસો શરૂ થયા છે. મહામારીને કારણે બીજી લહેર દરમિયાન મંડપ ડેકોરેશનને રૂપિયા 300 કરોડનું નુકસાન થયું હતું. ત્રીજી લહેરમાં મંડપ ઈન્ડસ્ટ્રીને રૂપિયા 150 કરોડથી વધુનો વેપાર ગુમાવવાની ભીતિ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષે કોરોનાના કારણે લગ્નસરા સહિત અનેક પ્રસંગો રદ થયા હતા. જેમાં મંડપ ડેકોરેશન પણ બાકાત રહ્યું નથી. 2 વર્ષથી કોરોનાને કારણે સમય ખરાબ ચાલી રહ્યો છે. સરકારે કેટલીક છૂટછાટ આપતા દિવાળી બાદ સિઝન સારી જવાની આશા હતી. પરંતુ, ફરી એક વખત ત્રીજી લહેરે માથુ ઉચકતાં મંદીનો સામનો કરવો પડેશે. સુરતમાં મંડપ ડેકોરેશન એસોસિએશન સાથે નાના મોટા 80થી વધુ ધંધાર્થીઓ જોડાયેલા છે. કોરોનાને લીધે અનેક ધંધાર્થીઓને વેપાર થયો નથી અને ઘણા વેપારીઓ સસ્તા ભાવે નાના મોટા કામકાજ થકી ટકી રહ્યા છે. હાલ કમુરતા પછી મે સુધી લગ્નની સિઝન નીકળી હતી. જેને લઇ મંડપ ડેકોરેશનને ફાયદો થશે તેવી આશા હતી. પરંતુ ત્રીજી લહેરના કારણે આશાઓ હતી તેના પર પાણી વળ્યું છે.
મંડપ ડેકોરેશનનું કામ કરતા હરેશભાઈએ જણાવ્યું હતું કે, અમને આશા હતા કે, જાન્યુઆરીમાં કમુરતા પછી લગ્નસરાની સિઝન શરૂ થશે તેમાં ગત વર્ષનું નુકશાન સરભર થશે. પરંતુ કોરોનાએ માથું ઉચકતા લોકોએ ઓછા ખર્ચે અને હોલમાં ઓછી સંખ્યામાં લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. જેના કારણે મંડપ ડેકોરેશનના વેપારમાં ફરી ઘટાડો જોવા મળશે. બીજી લહેર બાદ મંડપની નવી ડિઝાઇનો પણ બહાર પાડી હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેરના કારણે સ્થિતિ બગડી છે.
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ વધતા હોટલ, કેટારિંગ અને ઇવેન્ટ ઉદ્યોગ ફરીથી ચિંતામાં પડી ગયો છે. જાન્યુઆરીના અંતમાં’ અને ફેબ્રુઆરી મહિનામાં હજારો લગ્ન લેવાનાર હતા. હવે લગ્નો મોકૂફ રખાયા છે તે ક્યાંક સાદાઇનો આશરો લેવામાં આવ્યો છે. અથવા ઓછાં મહેમાનોની હાજરીમાં પ્રસંગ ઉકેલવાનો છે. જોકે આના કારણે ગુજરાતના આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને લાખો રૂપિયાના રિફંડ આપવા પડે છે અને આગળ પણ ક્યારે લગ્ન ઇવેન્ટ સારી રીતે થશે તેની કોઈ આશા દેખાતી નથી. આ ઉપરાંત લગ્નો માટે હોટલ જે લોકોએ બુક કરાવી હતી તેના બુકિંગ કેન્સલ થવા લાગ્યા છે. આ ઉપરાંત ઈવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગ, અને ટ્રાવેલિંગના ધંધા પર પણ અસર પડી છે. એક અંદાજ મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરીમા ગુજરાતમાં પચાસ હજાર
નાના-મોટા લગ્ન થવાના હતા અને હવે કોરોનાના કારણે કેટરિંગ, હોટલ, ડેકોરેશન, મ્યુઝિક સહિતના ઉદ્યોગો ફરી સંઘર્ષ કરશે.