કોરોનાને લીધે ટ્રેનોમાં પેસેન્જરો ઘટતા રેલવે સ્ટેશન પર કૂલીઓ અને રિક્ષાચાલકો બેકાર બન્યા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લીધે આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ છે. ત્યારે ધંધા-રોજગાર પર તેની અસર થઈ છે. રેલવેમાં ટ્રેનો રદ થતાં અને મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં રેલવે મુસાફરોના સરસામાન ઉપાડનાર કુલી અને તેમને રિક્ષામાં ઘર સુધી પહોંચાડનાર રિક્ષાચાલકોની હાલત કફોડી બની ગઈ છે. પૂરતી ટ્રેનો ન પહોંચતા અમદાવાદ રેલવે સ્ટેશનના 250 કુલીઓ અને 300 રિક્ષાચાલકોને રોજ કમાઈને રોજ ખાવામાં ફાંફા પડી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાને લીધે મીની લોકડાઉન જેવી સ્થિતિ છે. મહાનગરો સહિત અનેક શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. લોકો મહત્વના કામ સિવાય બહારગામની મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ગુજરાત જ નહીં પણ દેશના અનેક રાજ્યોમાં કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે કેટલાક રાજ્યોમાં તો હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. ઓક્સિજન મળતો નથી અને સાથે ઇન્જેક્શન અને દવાની દવાની પણ અછત સર્જાઇ રહી છે. ગુજરાત સરકારે કોરોનાની ચેન તોડવા માટે ઘણા નિયંત્રણ મૂકી દીધા છે. જેમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. તમામ પબ્લિક પ્લેસ અને ફરવાલાયક સ્થળ ઉપર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવી છે. ગુજરાતમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે. જેમાં નાના વર્ગના લોકો સૌથી વધારે બેકારીથી પીડાઈ રહ્યા છે. સાથે રેલવે વિભાગે ટ્રેનમાં મુસાફરોની અવરજવરના કારણે કેટલીક ટ્રેનો રદ કરી દીધી છે. હવે માત્ર ગણતરીની ટ્રેનો જ દિવસ દરમિયાન અમદાવાદ જંક્શન ઉપર આવે છે. ગુજરાતના અન્ય રેલવે સ્ટેશન પર પણ મુસાફરો ના મળતા ટ્રેનના હોલ્ડ રદ કરી દીધા છે.