પોર્ટુગલ: વડાપ્રધાનના રાજીનામા બાદ રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી,વહેલી ચૂંટણીની કરી જાહેરાત
દિલ્હી: પોર્ટુગીઝના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસાએ ગુરુવારે કહ્યું કે તેઓ દેશની સંસદ ભંગ કરીને વહેલી ચૂંટણીની જાહેરાત કરી રહ્યા છે. પોર્ટુગીઝ સરકાર સામેના ભ્રષ્ટાચારના આરોપોને પગલે વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ રાજીનામું આપ્યાના બે દિવસ બાદ રાષ્ટ્રપતિ સોસાએ સંસદ ભંગ કરવાની જાહેરાત કરી હતી. સોસાએ જણાવ્યું હતું કે ચૂંટણી 10 માર્ચે યોજાશે.
તેમણે દેશની ‘કાઉન્સિલ ઓફ સ્ટેટ’ સાથેની બેઠક બાદ રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધન દરમિયાન પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ‘કાઉન્સિલ ઓફ સ્ટેટ’ એ ભૂતપૂર્વ રાજકારણીઓ અને સેલિબ્રિટીઓની સલાહકાર સંસ્થા છે. સોસાએ બુધવારે સંસદમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ તેમણે ‘કાઉન્સિલ ઑફ સ્ટેટ’ સાથે બેઠક કરી હતી. સમાજવાદી નેતા કોસ્ટાએ 2015 થી પોર્ટુગલનું નેતૃત્વ કર્યું છે અને ગયા વર્ષે ઐતિહાસિક ચૂંટણી જીત મેળવી હતી.
દેશને ચોંકાવનારી ભ્રષ્ટાચારની તપાસના ભાગરૂપે પોલીસે પોર્ટુગલમાં મોટાપાયે દરોડા પાડ્યા છે. આ પછી કોસ્ટાએ તરત જ રાજીનામું આપી દીધું હતું. પોલીસે તેના ચીફ ઓફ સ્ટાફની સાથે અન્ય ચાર લોકો અને એક સરકારી મંત્રીની ધરપકડ કરી છે, જેમનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. થોડા કલાકો પછી, રાષ્ટ્રને તેમના સંબોધનમાં, કોસ્ટાએ તેમની નિર્દોષતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે તેઓ વડા પ્રધાન પદ પર ચાલુ રહી શકશે નહીં.