રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં લોકમેળાની મોસમ જામતી હોય છે. આમયે સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રિય ગણાય છે. એટલે શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો મેળો પાંચ દિવસ સુધી ચાલે છે. અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જો કે રાજકોટના મેળા યોજવાનો હજુ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. પણ અન્ય શહેરોમાં યોજવામાં આવતા લોકમેળાઓ આ વર્ષે કોરોનાના સંભવિત ત્રીજા વેવના ડરના કારણે રદ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
લોકમેળાઓનો પ્રદેશ એવા સૌરાષ્ટ્રમાં વારે-તહેવારે જુદાજુદા શહેરોમાં લોકમેળા ભરાતાં હોય છે. જેમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તો લગભગ તમામ શહેરોમાં લોકમેળા ભરાય છે. પરંતુ છેલ્લાં બે વર્ષેથી કોરોના મહામારીના કારણે મોટા ભાગનાં તહેવારો રદ કરવામાં આવ્યાં છે.જેમાં જેતપુર શહેરમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળાઓ પણ આયોજકો દ્વારા સતત બીજા વર્ષે પણ રદ કરવામાં આવ્યાં છે. જ્યારે જેતપુર શહેરનાં બસ સ્ટેન્ડ સામે આવેલા જીમખાના મેદાનમાં છેલ્લાં 65 વર્ષથી જન્માષ્ટમીનો લોકમેળો જુદીજુદી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવે છે.
આ મેળામાં જેતપુર ઉપરાંત ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જામકંડોરણા તેમજ ગોડલથી હૈયેહૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટતી હોય છે.ગયાં વર્ષે લોકમેળો રદ થયાં બાદ ચાલુ વર્ષે મેળો યોજવવાની નાનાં મોટાં વેપારીઓ આશા રાખી રહ્યા હતાં. પરંતુ ત્રીજી લહેરનો ખતરો માથા પર લટકતો હોય મેળાનાં આયોજક સીટી કાઉન્સીલ દ્વારા લોકોનાં સ્વાસ્થ્ય માટે થઈ મેળો રદ કરાયો છે. તેથી સતત બીજા વર્ષે મેળાનાં મેદાનમાં પાથરણા પાથરીની રમકડાં કે ઘરવખરીની નાની મોટી ચીજ વસ્તુ વેચાતાં ફેરીયાઓથી માંડીને લાખોની બોલી બોલીને હરરાજીમાં લીધેલા સ્ટોલ ધારકોને નુકસાની ખમવાનો વારો આવ્યો છે. એટલે કે કહી શકાય કે દુષ્કાળમાં અધિક માસ, બે વર્ષથી આર્થિક મંદીનો સામનો કરી રહેલ ફેરીયાઓ તેમજ અન્ય વેપારીઓને મેળાથી થોડી ઘણી કમાણીથી આશા હતી તેનાં પર પણ પાણી ફરી વળ્યું.
(Photo-Social Media)