Site icon Revoi.in

વિકલાંગ ક્વૉટા હેઠળ આઈએએસ બનેલા 5 અધિકારીના ફરી મેડિકલ ટેસ્ટની શક્યતા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના વિકલાંગના ક્વોટામાં પસંદ થયેલા 5 જેટલા આઈએએસ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. આઈએએસ પૂજા ખેડકર કાંડ બાદ હવે તંત્ર એક્શનમાં આવી ગયું છે. કેન્દ્ર સરકારીની સુચના બાદ ગુજરાતનાં પાંચ આઈએએસ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવવાના આદેશ કરાયા છે. અને ખોટા વિકલાંગ સર્ટિફિકેટના આધારે તેઓ સિવિલ સર્વિસમાં ભરતી નથી થયા તેની તપાસ કરવામાં આવશે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં આઈએએસ પૂજા ખેડકરે વિકલાંગના ફેક સર્ટીફિકેટને આધારે સિવિલ સર્વિસમાં પસંદ થતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટના બાદ ગુજરાતના પાંચ આઈએએસ અધિકારીઓના વિકલાંગ સર્ટિફિકેટ અંગે ગુજરાત સરકારની જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શંકાઓ વ્યક્ત કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ દ્રષ્ટિહીનતા જ્યારે ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગ સર્ટિફિકેટમાં ‘લોકોમોટિવ ડિસેબિલિટી’ કારણો ટાંક્યા હતા.

સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાંથી પાંચ આઈએએસ અધિકારીઓએ ફરીથી તેમનું વિકલાંગ સર્ટિફિકેટ ફરી પાછું રજૂ કરવું પડશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ મહારાષ્ટ્રમાં આઈએએસ અધિકારી પૂજા ખેડકરના કૌભાંડ બાદ ઓલ ઈન્ડિયા સર્વિસિઝના તમામ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવી દિવ્યાંગ સર્ટિફિકેટ મેળવવા નિર્દેશ કર્યો છે.  ત્યારે તમામ આઈએએસ, આઈપીએસ, અને આઈએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગ સર્ટિફિકેટ રજૂ કર્યા છે, તેમણે ફરીથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી આ નવુ વિકલાંગ સર્ટિફિકેટ યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.