અમદાવાદઃ રાજ્યમાં ઘણા સમયથી કોરોનાને લીધે સરકારી ભરતી પર બ્રેક લાગી ગઈ છે. અનેક શિક્ષિત યુવાનો સરકારી ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના આરંભ પહેલા જ સરકારે વિદ્યાસહાયકની ભરતી કરવાનું નક્કી કર્યુ છે.આ ભરતી શરુ થવાના એંધાણ એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહ્યા છે કારણ કે, પ્રાથમિક શિક્ષક પસંદગી મંડળ દ્વારા પરિપત્ર કરીને તમામ જિલ્લાઓમાં ખાલી પડેલી જગ્યાઓ અંગેની માહિતી મંગાવવામાં આવી છે. આ વિગતો 10 મે સુધીમાં આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે આગામી સમયમાં ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી પડી છે. ઘણા સમયથી ભરતી થઈ નથી.બીજીબાજુ ઘણાબધા સિક્ષકો વય મર્યાદાને કારમે નિવૃત થઈ રહ્યા છે. ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગેની અવાર-નવાર ચર્ચા ઉઠતી રહી છે, એવામાં હવે ખાલી પડેલી જગ્યાઓ અંગે પરિપત્ર મોકલીને માહિતી મંગાવવામાં આવી છે તેને જોતા ભરતી કરવામાં આવશે તેવી અટકળો તેજ થઈ છે. ધોરણ 1થી 5 અને 6થી 8ના ગુજરાતી માધ્યમના વિદ્યાસહાયકોની ખાલી પડેલી જગ્યા અંગેની માહિતી શિક્ષણ વિભાગ દ્વારા મંગાવવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિના સભ્ય સચિવ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જગ્યાઓ અંગે વિગતો મોકલવા માટે જણાવાયું છે.