Site icon Revoi.in

પાકિસ્તાનની નાપાક હરકતો પર નજર, ભારતની બોર્ડર પર એર ડિફેન્સ યૂનિટ તેનાત કરવાની તૈયારી

Social Share

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. તાજેતરમાં સીમા પર તણાવ ભલે ઘટયો હોય, પરંતુ ભારત હજીપણ પાકિસ્તાનના નાપાક હરકતોના ઈતિહાસને જોતા કોઈ પણ તક ઉભી થવા દેવા માંગતું નથી.

ભારતીય સેનાએ એક મોટો નિર્ણય લેતા હવે પોતાની તમામ એર ડિફેન્સ યૂનિટને બોર્ડરની નજીક લઈ જવાનો નિર્ણય કર્યો છે. બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના કેટલાક વિમાનો ભારતના વાયુક્ષેત્રમાં ઘૂસ્યા હતા. તેવામાં આવી હરકતોની શક્યતા ડામવા માટે અને પાકિસ્તાનની કોઈપણ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવાની તૈયારી હેઠળ એર ડિફેન્સ યૂનિટને બોર્ડર પર તેનાત કરવાની તૈયારીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ એક મોટી કવાયત હેઠળ એર ડિફેન્સ સિસ્ટમને બોર્ડરની નજીક લઈ જવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય સેનાની એક મોટી બેઠક બાદ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત સહીતના ટોચના અધિકારીઓ સામેલ હતા.

આ બેઠકમાં બોર્ડર પર લાગેલા એર ડિફેન્સ યૂનિટનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો. બેઠકમાં સામે આવ્યું કે જો ફરીથી ભવિષ્યમાં ક્યારેય બાલાકોટ બાદ જેવી સ્થિતિ પેદા થાય છે, તો આનો ઉપયોગ કરી શકાય છે. હાલ આ તમામ યૂનિટ બોર્ડરથી દૂર છે અને તમામ તણાવપૂર્ણ સ્થાનો પર હાજર છે.

બાલાકોટમાં જ્યારે ભારતે એરસ્ટ્રાઈક કરી હતી, તો તેના બીજા દિવસે પાકિસ્તાને પોતાના ઘણાં યુદ્ધવિમાનોને ભારતમાં મોકલ્યા હતા. ભારત આવેલા યુદ્ધવિમાનોએ સેનાના ઠેકાણા નજીક કેટલાક બોમ્બ ફેંક્યા હતા. જો કે આનાથી કોઈ નુકસાન પહોંચ્યું ન હતું અને ભારતે આ હુમલાનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં જ્યારે 14 ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો, ત્યારે 40 જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં ભારતે 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી.

તેના બીજા દિવસે પાકિસ્તાને પોતાના કેટલાક યુદ્ધવિમાનોને ભારતીય સીમામાં મોકલ્યા અને તે બોમ્બ ફેંકીને ચાલ્યા ગયા. તે વખતે જ્યારે પાકિસ્તાની યુદ્ધવિમાનનો પીછો કરવા ભારતના યુદ્ધવિમાનો ગયા, તો વિંગ કમાન્ડરનું મિગ-21 ડોગ ફાઈટમાં પાકિસ્તાનના એફ-16ને તોડી પાડીને ક્રેશ થયુ હતું અને વિંગ કમાન્ડર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ક્ષેત્રમાં ઈજેક્ટ થયા હતા અને ત્યાં પાકિસ્તાને તેમને કસ્ટડીમાં લીધા હતા. જો કે વિંગ કમાન્ડર અભિનંદનને ભારતે પાછા સોંપવા પડયા હતા.