અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન પાટણમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ નગરપાલિકાની ચૂંટણીના બહિરાષ્કારના ઠેર-ઠેર પોસ્ટર લગાવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં ટેલિફોન એક્સચેન્જ રો થી લઈને લીલીવાડી સુધીના માર્ગ પર આવેલી 25 જેટલી વિવિધ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી, ભૂગર્ભ ગટરની સમસ્યા, સ્વચ્છતાની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આ અંગે અનેક વખત પાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી. તેમ છતા કોઈ નિકાલ નહીં આવતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ છે.
દરમિયાન આ વિસ્તારની મોટાભાગની સોસાયટીના રહીશોએ પોતાના સોસાયટીના મેઈન ગેટ ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરતાં બેનર લગાવતા પાટણના સ્થાનિક રાજકારણીઓ માં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિસ્તારના રહીશોની ઉપરોક્ત સમસ્યાનું કાયમી ધોરણે તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષોને આ વિસ્તારમાં પ્રવેશ કરવા નહીં દેવાની પણ ચીમકી આપી છે.