વડોદરાઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને પુનઃ ટિકિટ આપતા પક્ષના સ્થાનિક નેતાઓમાં વિવાદ ઊભો થયો હતો. દરમિયાન શહેરમાં પત્રિકા બાદ પોસ્ટર પોલિટિક્સ શરૂ થયુ છે. શહેરમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા પોલીસે કારેલીબાગ વિસ્તારની ગાંધીપાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે ટેમ્પોમાં બેનર લઈને આવતા બે યુવકના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી હતી જેમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત થઈ હતી અને તે કોંગ્રેસનો કાર્યકર હોવાનું કહેવાય છે.
લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબહેન ભટ્ટને રિપીટ કરાતા શહેર ભાજપમાં ભારે નારાજગી ઊભી થઈ હતી. દરમિયાન ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ વગેરે જેવાં બેનરો લાગતા પોલીસ પણ સક્રિય બની હતી. શહેરના અટલાદરા સ્થિત ખિસકોલી સર્કલ પર વધુ એક વિવાદાસ્પદ બેનર લગાવાયા હતા. પોસ્ટર વોરને કારણે વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભાજપ શહેર પ્રમુખ ડો.વિજય શાહએ જણાવ્યુ હતુ. કે, ભાજપએ 156 સીટોથી ગુજરાત વિધાનસભામાં જીત મેળવી હતી. ત્યારથી કોંગ્રેસ હતાશામાં છે. કોંગ્રેસના બે કાર્યકરો સીસીટીવીમાં દેખાયા છે. પોલીસે ગણતરીના કલાકોમાં ઘટના પરથી પડદો ઊંચક્યો છે. આ પોસ્ટર અંગે સોસાયટીના લોકોને પણ ખબર ન હતી. પોલીસ તપાસમાં ત્રણેય શખસોના નામ બહાર આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ પણ આ અંગે તપાસ કરી રહી છે. કોંગ્રેસ આવી હરકતથી શહેરીજનોને ગેરમાર્ગે દોરે છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરમાં કારેલીબાગ વિસ્તારની ગાંધીપાર્ક અને જાગૃતિ સોસાયટી વિસ્તારમાં કોઈ એક્ટિવાચાલક સવારે 10 વાગ્યે આ બેનર લગાવી ગયો હોવાનું બહાર આવ્યું છે, પરંતુ પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી તો કોઈ વાહનચાલક પોસ્ટર તોડીને લઈ ગયો હતો. રાત્રે પણ જેણે બેનરો લગાવ્યા હતા એના સીસીટીવી સામે આવતાં કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે એક શખસની અટકાયત કરી છે. ખિસકોલી સર્કલ પર બેનરો લગાવ્યાં હોવાનું કહેવાય છે.