Site icon Revoi.in

શેઠની શીખામણ ઝાંપા સુધી, જસદણમાં ભાજપના બાવળિયા-બોઘરા વચ્ચે પોસ્ટર યુદ્ધ

Social Share

રાજકોટઃ જસદણ વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા અને આ વિસ્તારના અગ્રણી ગણાતા અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા વચ્ચે છેલ્લા ગણા સમયથી વૈમનસ્ય ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. બન્ને નેતાઓને પ્રદેશ કમાન્ડે પણ શીખામણ આપીને એકસાથે કામ કરવાની શીખામણ આપવામાં આવી હતી. પણ હજુ બન્ને વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. તાજેતરમાં જન્માષ્ટમીના પર્વની શુભેચ્છા પાઠવતા બેનર્સ જસદણમાં કુંવરજી બાવળિયાએ લગાવ્યા હતા.ત્યારબાદ ભરત બોઘરાના પણ કુવરજી બાવળિયાના બેનર્સ પર લાગી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ જસદણ મત વિસ્તારમાં એક સમયે કુંવરજીભાઈ બાવળીયા અને ડોક્ટર ભરતભાઈ બોઘરાની જોડી રાજકારણમાં એકબીજાના પૂરક સમાન બની રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય ગુરુ અને તેના રાજકીય ચેલા વચ્ચે બરાબરની જામી છે. સમાધાન માટેના અનેક પ્રયાસો ભૂતકાળમાં થયા છે અને ત્યારે સમાધાન થઈ ગયાની જાહેરાતો પણ કરવામાં આવી છે. પરંતુ આમ છતાં આજે પણ આ બંને વચ્ચે આંતરિક યુદ્ધ ચાલુ જ છે તેની ગવાહી જસદણના બસ સ્ટેન્ડ વિસ્તાર નજીક આવેલા લીમડાવાળા ચોકમાં આ બંનેના પોસ્ટરોએ પૂરી પાડી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને પૂર્વ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયાએ જસદણમાં બસ સ્ટેન્ડ નજીક લીમડાવાળા ચોકમાં પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા મોટા પોસ્ટર લગાવ્યા હતા. એકાદ દિવસ એકમાત્ર પોસ્ટર અહીં જોવા મળતું હતું પરંતુ બીજા જ દિવસે બાવળિયાના પોસ્ટરની આગળના ભાગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરાનું પોસ્ટર લાગી ગયું છે. ડોક્ટર બોઘરાના પોસ્ટરને કારણે બાવળિયાના પોસ્ટરમાં લખાણ અને બાવળિયાનો ફોટો દબાઈ ગયેલા જોવા મળ્યા હતા. જસદણમાં પોસ્ટર લગાવવા માટે અનેક જગ્યાઓ હોવા છતાં બંનેના પોસ્ટર એક જ જગ્યાએ શા માટે લગાવવામાં આવ્યા છે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. જસદણની ટિકિટ માટે બંને આગેવાનોએ દાવો કર્યો હોવાની વાત બહાર આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે થોડા સમય પહેલા જાહેર કાર્યક્રમમાં અને પત્રકારો સમક્ષ સ્પષ્ટ વાત કરી હતી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જસદણની બેઠક પર ડોક્ટર ભરતભાઈ બોઘરાએ ટિકિટ માગવાની થતી નથી. પાટીલના આ જાહેરાતથી બાવળિયા જૂથ ગેલમાં આવી ગયું હતું અને પેજ કમિટીની 15 ટકા જેટલી બાકી રહેતી કામગીરી પણ ફટાફટ પૂરી કરી દીધી છે. જોકે પાટીલની જાહેરાતને બોઘરા જૂથના આગેવાનો અલગ રીતે મૂલવી રહ્યા છે અને જણાવે છે કે બોઘરાને ટિકિટ નહીં મળે તેનો અર્થ એવો થતો નથી કે બાવળિયાને ટિકિટ મળી જશે. ભરતભાઈ બોઘરા ભલે ટિકિટ ન માગી શકે પરંતુ તેના સમર્થકો તો ટિકિટનો દાવો કરી જ શકે. પાટીલના ઉચ્ચારણોના અલગ અલગ અર્થઘટન કરીને બાવળિયા અને બોઘરા જૂથ હજુ પણ મેદાનમાં છે અને પોસ્ટર યુદ્ધ તેની ગવાહી પૂરે છે.