Site icon Revoi.in

બનાસકાઠામાં બટાટાની ધૂમ સિઝન, ગરમી વધતા બટાટા સીધા કોલ્ડસ્ટોરેજ મોકલવા પડે છે

Social Share

પાલનપુરઃ ગુજરાતના બનાસકાંઠામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદ થાય છે. જેમાં ડીસા તાલુકો બટાટા ઉત્પાદનમાં મોખરે છે. હાલ જમીનમાંથી બટાટા કાઢવાની સીઝન ચાલી રહી છે. ત્યારે એકાએક તાપમાનમાં વધારો થતાં અને બીજીબાજુ મોર્કેટ યાર્ડમાં ખેડુતોને પુરતા ભાવ ન મળતા હોવાથી ખેડુતો હવે ખેતરેથી બટાટા સીધા જ કોલ્ડસ્ટોરેજ મોકલી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં બટાટાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોએ જમીનમાંથી બટાટા નીકાળવાની શરૂઆત કરી દીધી છે. અને ચાલુ સાલે બટાટાનું ઉત્પાદન પણ સારૂએવું  થયું છે પણ ભાવ ન મળવાના કારણે ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા છે. ગરમી પણ શરુ થઈ ગઈ હોવાથી બટાટા નીકાળીને તરત જ કટ્ટામાં ભરી કોલ્ડ સ્ટોરેજમાં મોકલી રહ્યા છે. જોકે ખેડૂતોએ જે ભાવ મળવાની આશાએ બટાટાનું વાવેતર કર્યું હતું તે ભાવ હવે તેઓને મળતા નથી. જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે.

ડીસા માર્કેટ યાર્ડમાં બટાટા વેચવા માટે આવેલા ખેડુતોના કહેવા મુજબ  હાલમાં જે બટાટા નીકળી રહ્યા છે તે લેવા કોઈ તૈયાર નથી. સાથે ભાવ પણ એટલા નીચા છે કે મૂડીમાં પણ નુકશાન થઈ રહ્યું છે. અત્યારે હોલસેલમાં બટાકા 100 થી 110 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. જ્યારે ખેડૂતોને 200 રૂપિયા સુધી માત્ર પડતર કિંમત જ મળે તેમ છે. જેથી ખેડૂતોને 30 થી 40 ટકા જેટલું ચોખ્ખુ નુકસાન છે. એક તરફ મોંઘવારીમાં બિયારણ, ડીઝલ,વીજળી બિલ ખેતરમાં કામ કરતા મજૂરોના ખર્ચની સામે બટાટાના પૂરતા ભાવ મળતા નથી અને જો આવો જ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે તેમ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર બનાસકાંઠામાં થાય છે. જેમાં મોટાભાગનું વાવેતર રાશન એટલે કે ખાવામાં વપરાતા બટાટાનું થાય છે. ત્યારે ચાલુ સાલે ફરી એકવાર ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને બટાટામાં નુકસાન થતાં  ખેડુતોના ચહેરા પરની ચમક પણ ઉડી જવા પામી છે. ત્યારે કેટલાક ખેડૂતો સરકાર પાસે યોગ્ય ભાવ માટે ટેકાનાં ભાવે બટાટા ખરીદાય તેવી આશા રાખી રહ્યા છે.