ડીસાઃ ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી બટાટાના પુરતા ભાવો ન મળતા હોવાથી ખેડુતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે. એટલે ખાનગી કંપનીઓ દ્વારા જ કોન્ટ્રાક્ટ મુજબ બટાટાની ખરીદી કરી લેવામાં આવે છે. બીજીબાજુ ઉત્તર પ્રદેશ અને પશ્વિમ બંગાળમાં પ્રતિકૂળ વાતાવરણને લીધે આ વર્ષે બટાટાનું ઉત્પાદન ઓછું થયું છે. તેના લીધે બટાટાની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. આ વર્ષે બટાટા રીટેલ બજારમાં પણ મોંઘા વેચાશે. હોલસેલ માર્કેટમાં બટાટાના પ્રતિ કિલોએ 25 થી 30 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
ગુજરાતમાં બટાટાની ઉત્પાદનમાં મોખરે ગણાતા બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે બટાટાની ખેતી ફાયદાકારક સાબિત થઈ છે. છેલ્લા 3 વર્ષથી મંદીનો માર સહન કરતા બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષ બટાટા ખેતી ફાયદાકારક નિવડી છે. કારણ કે આ વખતે બટાટાના ભાવો 3 વર્ષની ટોચે પહોંચી ગયા છે. છેલ્લા 3 વર્ષથી નુકશાનકારક સાબિત થતી બટાટાની ખેતીમાં આ વર્ષે ઉત્પાદન ઘટવાના લીધે ભાવો ઊંચા રહેતા ખેડૂતો, કોલ્ડ સ્ટોરેજ માલિકો અને વેપારીઓ ખુશ છે. ડીસા યાર્ડમાં બટાટાના ભાવ પ્રતિ 20 કિલોએ 500 રૂપિયાથી માંડીને 550 રૂપિયા સુધીના છે. છેલ્લા પાંચ વર્ષના બટાટાના ભાવોની વાત કરીએ તો વર્ષ 2020માં બટાટાના ભાવો પ્રતિ મણે 500થી 600 રૂપિયા હતા. જોકે મંદીની શરૂઆત થતાં વર્ષ 2021માં 150 થી 200 રૂપિયા સુધી નીચે ભાવ આવી જતા ખેડૂતોને નુકશાની સહન કરવી પડી હતી. વર્ષ 2022માં બટાટાના ભાવો 300 રૂપિયાથી 350 રૂપિયા હતા, જોકે વર્ષ 2023 એટલે કે ગત વર્ષે બટાટાના આ સમયે ભાવ પ્રતિ મણે 200 રૂપીયાથી 250 રૂપિયા સુધી નીચે આવી ગયા હતા. જ્યારે ચાલુ વર્ષે બટાટાના ભાવો 500ની સપાટી કૂદાવીને પ્રતિ 20 કિલોના 500 થી 550 રૂપિયા જેટલા થઈ ગયા છે.
બટાટાના ભાવોમાં આવેલી તેજી પાછળ વેપારીઓનું માનવું છે કે બટાટાની ખેતી બનાસકાંઠા જિલ્લા સિવાય ઉત્તર ભારતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ આ વર્ષે ઉત્તર ભારતમાં બટાટાનું વાવેતર ખૂબ જ ઓછું થયું હોવાના લીધે બટાટાની માંગ સામે પુરવઠો ઘટતા બટાટાના ભાવો આસમાને પહોંચી ગયા છે. ત્રણ વર્ષ સુધી સતત મંદી રહી એટલે ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર વળ્યા અને વાવેતર પર અસર પડી હતી. એટલે આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. અને વર્ષ દરમિયાન બટાટાના ભાવમાં ઘટાડો થવાના કોઈ અણસાર નથી.