Site icon Revoi.in

અરવલ્લી જિલ્લામાં સતત બદલાતા વાતાવરણને લીધે બટાકાના ઉત્પાદનમાં 30 ટકાનો પડ્યો ફટકો

Social Share

મોડાસાઃ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બાદ અરવલ્લી જિલ્લામાં પણ બટાકાનું સારૂએવું ઉત્પાદન થાય છે. આ વખતે રવિ સીઝનમાં 30 હજારથી વધુ હેકટરમાં બટાકાનું વાવેતર કારાયું હતું. ખેડુતોને સારૂ ઉત્પાદન મળવાની આશા હતી. ત્યાં જ પ્રતિકૂળ વાતાવરણ તેમજ બટાકાના પાકમાં સુકારા અને બળિયા નામના રોગચાળાને લીધે બટાકાના ઉત્પાદનમાં સરેરાશ 30 ટકા જેટલો ફટકો પડ્યો છે.

કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં ખેડૂતોએ 30 હજારથી વધુ હેક્ટર જમીનમાં બટાકા પાકનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ જિલ્લમાં પાક તૈયાર થઇ જતા ખેડૂતો હાલ બટાકા પાકની લણણી અને બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા છે. પરંતુ વાવેતર બાદ સતત બદલાતા વાતાવરણ તેમજ બટાકાના પાકમાં સુકારો તેમજ કેટલાક વિસ્તારોમાં બળીયા જેવો રોગ આવતા બટાકાના ઉત્પાદન ઉપર અસર થઇ છે. હાલ ખેડૂતોને તેમના ધારણા કરતા 30 ટકા જેટલો ઉતારો ઓછો ઉતરી રહ્યો છે જેથી ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

ખેડુતોના કહેવા મુજબ બટાકામાં બળિયા નામના રોગને કારણે બટાકા પર કાળી ટપકીઓ પડી ચુકી છે જેથી ખેડૂતોને ઓછા ઉત્પાદનનો ડર સતાવી રહ્યો છે. ચાલુ સાલે ખેડૂતોએ મોંઘાભાવે ખાતર ખેડ બિયારણ પાછળ ખર્ચ કરી સારા ઉત્પાદનની આશા રાખી હતી પરંતુ જિલ્લામાં સતત બદલાતા રહેલા મોસમના મિજાજે ખેડૂતોને કફોડી હાલતમાં મુક્યા છે. અરવલ્લી જિલ્લો બટાકાના વાવેતરમાં હંમેશા અવ્વલ રહ્યો છે. જેના કારણે ઉત્પાદન પણ ખુબ વધુ જોવા મળે છે. પરંતુ સતત બદલાતા વાતાવરણ વચ્ચે ચાલુ વર્ષે બટાકામાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે. જેના કારણે ખેડૂતોમાં બટાકાના ઉત્પાદનમાં મોટું નુસાશન થવાની શક્યતા જોવા મળી રહી છે. બટાકાના પાકમાં ઉતારામાં પણ અસામાન્ય જોવા માંડ્યો છે અને 30 ટકા સુધીનું નુકશાન થઇ શકે છે.