ભાવનગરઃ ગુજરાતમાં માત્ર નેશનલ હાઈવે જ નહીં પણ સ્ટેટ હાઈવેની હાલત પણ બદતર બની છે. ચોમાસામાં તૂટી ગયેલા હાઈવેને મરામત કરવાનો તંત્રને હજુ સમય મળ્યો નથી. ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈવે હવે મરામત માગી રહ્યો છે. ભાવનગરથી શરૂ કરી અમરગઢ સુધી અનેક જગ્યાએ મોટાં-મોટાં ખાડા પડી ગયા છે. સિહોર બસ સ્ટેશન નજીક હાઈવે પર એટલા મોટા-મોટા ખાડા પડી ગયા છે. કે, અહીંથી પસાર થવામાં વાહનચાલકોને નેવાના પાણી મોભ ચડે છે અને આ ખાડાને રિપેર કરવા માટે તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ન ધરાતા વાહનચાલકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈવે પર સિહોરથી અનેક નાના-મોટા શહેરો તરફ જવા-આવવા માટેનો મુખ્ય માર્ગ છે. સિહોરમાંથી રોજના અસંખ્ય સંખ્યામાં વાહનો હાઈવે પરથી પસાર થાય છે. એમાં ટાણા ચોકડીને ત્રિભેટે ખાડાઓનું પ્રમાણ વધારે છે. અને ત્રણ દિશામાં ફંટાતા વાહનોને કારણે અહીં ટ્રાફિક પણ ખૂબ રહે છે પરંતુ કોણ જાણે આ બાબતે કોઇ નક્કર આયોજન થતું જ નથી. જે માર્ગને રાજ્ય ધોરી માર્ગ નામથી ઓળખાતો હોય એ માર્ગની ગુણવત્તા હાઇકવૉલિટીની હોવી જોઇએ પરંતુ ટાણા ચોકડી પાસે ઊંડા ખાંડા પડી ગયા છે. તાજેતરમાં એક લોડીંગ રિક્ષા આ ખાડામાં પલટી ખાઇ ગઇ હતી ત્યારબાદ ખાડા પર માટી નાખીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. પરંતુ શું એનાથી સમસ્યાનો હલ આવી જશે ? ખરી સમસ્યા એ છે કે માટી નાખ્યાના થોડા દિવસ પછી જૈસે થૈ ખાડા થઇ જશે અને લોકોની સમસ્યા મૂળ સ્વરૂપમાં પાછી ફરશે. પેવન પાસે ટાણા,રાજકોટ અને ભાવનગર તરફથી આવતા વાહનોની સંખ્યા હજારોમાં હોય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈવેની બિસ્માર હાલત છે. જેમાં ભાવનગરથી સોનગઢ, અમરગઢ સુધી હાઈવે પર ઠેર ઠેર ખાડાંઓ જોવા મળી રહ્યા છે. જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણા જવા માટે યાત્રિકો પણ આ રસ્તેથી પસાર થતા હોય છે. પરંતુ આ વિસ્તારના ચૂંટાયેલા ધારાસભ્યોને પણ આ સમસ્યા દેખાતી નથી. ધરાસભ્યોએ ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈવેને મરામત કરાવવા માર્ગ-મકાન વિભાગને રજુઆત કરવી જોઈએ.