Site icon Revoi.in

ભૂજ-નખત્રાણા હાઈવે પર ખાડાં પડતા અકસ્માતનો ભય, માંડવી ST બસ ડેપોમાં પાણી ભરાયા

Social Share

ભૂજઃ કચ્છમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની છે. જેમાં નખત્રાણાથી ભુજ તરફના ધોરીમાર્ગ પર મસમોટા ખાડાથી વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. રોડ પર પડેલા ખાડાઓને કારણે વાહનોને નુકશાન થઈ રહ્યું છે. તેમજ અકસ્માતનો ભય રહેલો છે, તેથી સત્વરે રોડને મરામત કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

નખત્રાણા-ભુજ હાઈવે ધોરીમાર્ગ પર અંગિયા પાસે આવેલા ભારત પેટ્રોલ પંપની નજીક ગોલાઇ પર અગાઉથી ખાડા હતા પરંતુ વરસાદ બાદ તે ખાડા મોટા થઇ ગયા છે. મુખ્ય ધોરીમાર્ગ પર દિવસ-રાત દ્વિચક્રીથી લઇને ભારેખમ વાહનોની સતત અવર-જવર રહેતી હોય છે. માર્ગની એક બાજુ અનેક મસમોટા ખાડા પડેલા છે,  જે નાના વાહનો માટે જોખમી છે જ સાથે-સાથે ખાડાના કારણે ભારે વાહનોના ચાલકોને પણ સતત અકસ્માતનો ભય રહે છે. રોડની એક બાજુમાં રહેલા ખાડાના કારણે લોકો પોતાની ગાડીઓ ખાડામાં ન પડે તે માટે સામેની બાજુમાં વાહનો લઇને નીકળતા હોય છે, જેથી સામેની બાજુએથી આવતા વાહનોના કારણે સતત અકસ્માતનો ભય રહે છે. આ માર્ગ પરના ખાડા કોઇનો જીવ લે તે પહેલા સંબંધિત તંત્ર આળસ ખંખેરીને સત્વરે ખાડા પૂરે તેવી માંગ સ્થાનિક લોકોમાંથી ઉઠી રહી છે.

આ ઉપરાંત જિલ્લાના માંડવીના એસટી ડેપોમાં તાજેતરમાં 29 લાખના ખર્ચે સીસી રોડ બનાવામાં આવ્યો હતો. જે લેવલમાં ન હોતાં વરસાદી પાણી ભરાઇ રહે છે પરિણામે પ્રવાસીઓને પાણીમાં ચાલીને બસમાં બેસવાની ફરજ પડી રહી છે. મધ્યસ્થ કચેરી દ્વારા 29 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમા બસ સ્ટેશનને રંગ રોગાન અને સીસી રોડ બનાવા સહિતના કામનો સમાવેશ કરાયો હતો. સીસી રોડ બની ગયા બાદ સમાન્ય વરસાદ પડતાં એસટી બસ પ્લેટફોર્મ પર લાગે તેના મુખ્ય પોઈન્ટ વચ્ચેવચ રકાબી જેવો રોડ બનતા પાણી ભરાઈ જવાથી પ્રવાસીઓને પાણીમાં ચાલીને બસમાં જવાની ફરજ પડે છે.