Site icon Revoi.in

સુરેન્દ્રનગરના મુળી તરફ જતા રોડ પરના સરદારસિંહ રાણા બ્રિજ પર ઠેર ઠેર ખાડાં,વાહનચાલકો પરેશાન

Social Share

સુરેન્દ્રનગરઃ ચોમાસા દરમિયાન ઘણાબધા રોડ-રસ્તાઓ અને બ્રિજ પર ગાબડાં પડ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરથી મૂળી તરફ જતા હાઈવે પરના સરદારસિંહ રાણા પુલ પર ઠેરઠેર નાના મોટા ગાબડા પડતા વાહન ચાલકોને ભારે પરેશાન બની રહ્યા છે. આ વિસ્તારના લોકોએ બ્રિજ પર પડેલા ખાડાં પુરવા તંત્ર સમક્ષ રજુઆત પણ કરી છે. આ બ્રિજ પર ટ્રાફિક પણ વધુ રહેતો હોવાથી સત્વરે મરામતની માગ ઊઠી છે.

સુરેન્દ્રનગરના શહેર મધ્યે આવેલા મૂળીથી સુરેન્દ્રનગર થઇ ધ્રાંગધ્રા તરફ જવા પુલ આવેલો છે. આ પુલ પરથી ધ્રાંગધ્રાથી મૂળી તરફ અને મૂળીથી ધ્રાંગધ્રા સહિત સુરેન્દ્રનગર અને વઢવાણ, રતનપર તરફ અનેક વાહનો પસાર થાય છે. ત્યારે આ અંગ્રેજોના સમયમાં બનાવાયેલા અને રાજકોટ હાઇવે સાથે જોડતો પુલ જે મોરબીના પુલ તરીકે પણ ઓળખાય છે. જેનું બાદમાં ક્રાંતિકારી સરદારસિંહ રાણાના નામે નામકરણ કરાયું હતુ. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પુલ ઠેરઠેર બિસ્માર બની જવા સાથે નાનામોટા ખાડાઓ અને ગાબડા પડી ગયા છે.

આ અંગે સ્થાનિક લોકોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. આ અંગે સ્થાનિક લોકોના કહેવા મુજબ  સરદારસિંહ રાણા બ્રિજ પર ઠેર ઠેર ખાડાં પડ્યા છે. ખાડાઓને લીધે અનેક વાહનચાલકોને પરેશાન થઈ રહ્યા  છે. જ્યારે આ પુલ પરથી ભારે વાહનો પણ પસાર થાય ત્યારે ચાલતા રાહદારીઓને ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થાય છે. પુલની ફૂટપાથ તૂટી ગઇ હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. અગાઉ જ્યારે પણ રિપેરીંગ થયું ત્યારે કામ નબળું થયું છે. આથી વહેલી તકે પાકુ રિપેરીંગ માર્ગ અને મકાન વિભાગ કામ કરે તેવી રજુઆત કરવામાં આવી છે.