સુરતઃ શહેરમાં વરસાદને લીધે મોટાભાગના રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. શહેરમાં રોડ પર ઠેર ઠેર ખાંડાઓ પડી ગયા છે. અને ઉબડ-ખાબડ રોડથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે શહેરીજનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવેલા રોડની ગુણવત્તા સામે પ્રશ્નો કરી રહ્યા છે.
સુરત શહેરમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ બદતર જોવા મળી રહી છે. રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરો દ્વારા જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈને કામ મેળવવામાં આવે છે, ત્યારે કામની ગુણવત્તાને લઈને તમામ શરતો સ્વીકારવામાં આવતી હોય છે. પણ રસ્તાની ગુણવત્તા હંમેશા શંકાના દાયરામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લોકોના ટેક્સના પૈસે તેમને સારી સુવિધા આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અધિકારીઓ અને નેતા તેમજ કોન્ટ્રાક્ટરો પ્રજાના ટેક્સના પૈસા જાણે પાણીમાં વહેવડાવા માટે આયોજન કરતા હોય તેવું આ રસ્તાઓની સ્થિતિ જોતા લાગી રહ્યું છે. શહેરના ઉધના દરવાજા, ભાઠેના, કતારગામ, પુણા, અડાજણ, રાંદેર, વરાછા સહિતના રસ્તાઓને લઈને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. રોડ પર ઠેર ઠેર ખાડાઓને લીધે વાહનચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.
સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને લીધે રોડ પર ખાડાં પડ્યા છે. આથી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપી છે. શહેરના તમામ રસ્તાઓની ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરી સાત દિવસની અંદર ક્યાં વિસ્તારમાં કેટલા રસ્તાઓની કામગીરી કરી છે, તે અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. લોકોને મુશ્કેલી ન પડે તેના માટે પહેલાથી જ અધિકારીઓને રસ્તા બાબતે સૂચના આપી દેવામાં આવી છે.
સુરત શહેરના લોકોના કહેવા મુજબ શહેરમાં દર ચોમાસામાં પાણી ભરાયા બાદ રસ્તાઓને લઈને મુશ્કેલી ઊભી થાય છે. ભૂતકાળમાં પણ આ જ પ્રકારે રસ્તાઓ તૂટી ગયા હતા, ત્યારે અધિકારીઓ દ્વારા મોટી-મોટી વાતો કરવામાં આવી હતી. કમિશનર દ્વારા રોડ બનાવનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સુધીની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ રસ્તાની ગુણવત્તાને લઈને જે ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે, તે મુજબ કામગીરી થતી નથી. આખરે લોકોના ટેક્સના પૈસે બનેલા રસ્તા ઉપર પસાર થવામાં લોકોને જ મુશ્કેલી પડી રહી છે.