Site icon Revoi.in

સત્તા લાલચી લોકો દેશનું વિભાજન કરવા માગે છે, મોદી

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે 8000 કરોડના વધુ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. અમદાવાદના જીએમડીસીના વિશાળ મેદાનમાં યોજાયેલી જનસભામાં વડાપ્રધાન મોદી ઓપન જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલતા સ્ટેજ સુધી પહોંચ્યા હતા. તેમણે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, સત્તા માટે લાલચી લોકો ભારતના ટૂકડે ટૂકડા કરવા માગે છે, આ લોકો જમ્મુ-કાશ્મિરમાં આર્ટિકલ 370 પાછો લાવવાનું કહે છે. ભારતને બદનામ કરવાનો કોઈ મોકો છોડતા નથી. ગુજરાતને પણ બદનામ કરવાનું કામ કરે છે એટલે ગુજરાતે સતર્ક રહેવાનું છે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે, “આજે ઘણો જ સારો દિવસ છે. નમો ભારત રેપિડ મેટ્રો શરૂ થઈ છે. આ ટ્રેન પાયોનો પથ્થર સાબિત થશે. આ સાથે જ ગુજરાતના હજારો પરિવાર આજે પોતાના ઘરમાં પ્રવેશ કરશે. હું વિશેષ રૂપથી મહિલાઓને શુભેચ્છા પાઠવું છું. મહિલાઓના નામે ઘરનું રજિસ્ટ્રેશન થયું છે. જોકે ઉત્સવના અવસરમાં એક પીડા છે. આ વર્ષે ગુજરાતમાં એકસાથે અતિવૃષ્ટિ થઈ છે. ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. આટલા વર્ષોમાં પહેલી વાર આટલો વરસાદ આવ્યો હોવાનું મારા ધ્યાનમાં છે.

PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારા દેશવાસીઓ જ મારા આરાધ્ય છે. આ આરાધ્ય માટે મારી જાતને ખપાવવા નિર્ણય કર્યો છે. જીવીશ તો તમારા માટે, જી જાન સે ખપતો રહીશ તો તમારા માટે. કરોડો દેશવાસીઓના આશીર્વાદ સાથે નવા ઉમંગ અને ઉત્સાહ સાથે હું જીવી રહ્યો છું. લાંબા સમય બાદ હું ગુજરાત આવ્યો છું. તમારા પ્રત્યેનો પ્રેમ વધતો જ જાય છે.

તેમણે સભાને સંબોધન કરતા વધુમાં કહ્યું હતું કે,  ગુજરાતને આપણે નવી ઊંચાઈ પર લઈને જવાનું છે. એક્સપોર્ટ નથી થતું એની ક્વોલિટી સારી નથી. આ માનસિકતામાંથી આપણે બહાર નીકળવાનું છે. ભારત નવા સંકલ્પોની સાથે કામ કરે છે. હાલના દિવસોમાં મને અનેક દેશોમાં અનેક મંચ પર પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. બધા ઈચ્છે છે કે, ભારત સાથે સારા સંબંધ રહે. કોઈ સમસ્યા હોય તો ભારતને સમાધાન માટે યાદ કરે છે. દુનિયાને આશા વધી ગઈ છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજથી અમદાવાદ-ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ રેલ ચાલવા લાગી છે. આ ટ્રેન મિડલ ક્લાસ લોકોને ફાયદો અપાવશે. આવનારા સમયમાં દેશના અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલ કનેક્ટ કરવાવાળી છે. દેશમાં 15થી વધુ રૂટ પર નવી નમો ભારત રેપિડ રેલ શરૂ થશે. 125થી વધારે વંદે ભારત ટ્રેન લોકોને સેવા આપી રહી છે. ભારતનો આ ગોલ્ડન પિરીયડ છે. આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ભૂમિકા છે. ગુજરાત ભારતના વેલ કનેક્ટેડ રાજ્યોમાંનું એક છે. ગુજરાત ભારતનું પહેલું એરક્રાફ્ટ આપશે. આજ ગુજરાતમાં એકથી એક ચડિયાતી યુનિવર્સિટીઓ છે. વિદેશી યુનિવર્સિટીઓ પણ ગુજરાત આવીને કેમ્પસ ખોલી રહી છે. ગુજરાતની પૂરી દુનિયામા ધૂમ મચી છે.

તેમણે ગુજરાતની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, “ત્રીજી વખત પ્રધાનમંત્રીના શપથ લીધા બાદ ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે મારા પર અપાર પ્રેમ દર્શાવ્યો છે. દીકરાએ આજે ઘરે આવીને આશીર્વાદ લીધો છે. આશીર્વાદથી નવી ઊર્જા મળે છે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા છે.  નરેન્દ્રભાઈ પર ગુજરાતીઓનો હક છે. રાષ્ટ્ર પ્રથમના સંકલ્પના કારણે આવવામાં મોડું થયું છે.”