Site icon Revoi.in

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ EDને ધરપકડની સત્તાઃ સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિવિધ જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પીએમએલએ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ને આપવામાં આવેલી ધરપકડની સત્તાને યથાવત રાખી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ મનસ્વી નથી. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચે પીએમએલએની જોગવાઈઓની માન્યતાને સમર્થન આપ્યું હતું જેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે વિજય મદનલાલ ચૌધરી વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો. આ સિવાય પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ, મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી સહિત 241 અરજીકર્તાઓએ PMLA હેઠળ ED દ્વારા ધરપકડ, જપ્તી અને તપાસની પ્રક્રિયાને પડકારી હતી.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની અનેક જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર સુનાવણી સુપ્રીમ કોર્ટેમાં યોજાઈ હતી. જેમાં કોર્ટે નોંધ્યું હતું કે, ઈડીની ધરપકડની પ્રક્રિયા મનસ્વી નથી. સુપ્રીમ કોર્ટે તપાસ, ધરપકડ અને સંપત્તિ જપ્ત કરવાની EDની સત્તાને યથાવત રાખી છે. આ સાથે કોર્ટે કહ્યું છે કે તપાસ દરમિયાન ED, SFIO, DRI અધિકારીઓ સમક્ષ નોંધાયેલા નિવેદનો પણ માન્ય પુરાવા છે. આરોપીને ફરિયાદની નકલ આપવી જરૂરી નથી. આરોપીને જે આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે તેની માહિતી આપવામાં આવે તે પૂરતું છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, કોઈપણ કોગ્નિઝેબલ ગુનાની તપાસ અને ટ્રાયલ અંગે તેની સીઆરપીસીમાં આપવામાં આવેલી પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું નથી. પીએમએલએ એક્ટ હેઠળ ધરપકડ કરવાનો, જામીન આપવાનો, સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર સીઆરપીસીના કાર્યક્ષેત્રની બહાર છે.

દરમિયાન કેન્દ્ર સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે 17 વર્ષ પહેલા કાયદો અમલમાં આવ્યો ત્યારથી PMLA હેઠળ નોંધાયેલા 5,422 કેસોમાં માત્ર 23 લોકોને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. 31 માર્ચ, 2022 સુધી, EDએ PMLA હેઠળ આશરે રૂ. 1,04,702 કરોડની સંપત્તિ જપ્ત કરી છે અને 992 કેસોમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં રૂ. 869.31 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે અને 23 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે.