વડોદરાઃ શહેરના બરાનપુરા વિસ્તારમાં રાત્રે વીજ પુવઠો એકાએક ખોરવાય જતા અંધારપટ છવાયો હતો. અસહ્ય ગરમીમાં લોકોને આખીરાત અંધારામાં પસાર કરવી પડી હતી. દરમિયાન બીજા દિવસે પણ વીજ કર્મચારીઓને ફોલ્ટ ન મળતા લોકો રોષે ભરાયા હતા અને બરાનપુરા વીજ પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. વીજળીના ધાધીયાથી વિસ્તારમાં 10 હજાર ઉપરાંત લોકો પરેશાન થયા હતા.
વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. બપોરના સુમારે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ગરમી વધતા વીજળીના માગમાં પણ વધારો થઈ રહ્યો છે. તેથી વીજલોડને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતો હોવાના બનાવો પણ વધી રહ્યા છે. પહેલા વાઘોડિયા રોડ બાદમાં ગોરવા અને ત્યારબાદ મોડીરાત્રિએ સમગ્ર બરાનપુરા વિસ્તારમાં લાઈટો ગુલ થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. આખીરાત લોકોએ અસહ્ય ગરમી સાથે અંધારામાં કાઢી હતી. બીજા દિવસે પણ વીજ પુરવઠો ચાલુ ન થતાં કંટાળેલા લોકોએ બરાનપુરા વિસ્તારની વીજ કચેરી માથે લીધી હતી.
શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી વીજ વાયરો અને ટ્રૅન્સફૉર્મર્સમાં આગ અને ધડાકાના બનાવો વધી ગયા છે. તેની સાથે જે તે વિસ્તારમાં કલાકો સુધી વીજ પ્રવાહ ખોરવાઈ જાય છે. પરિણામે વીજ કર્મચારીઓની દોડાદોડીમાં પણ વધારો થયો છે. રાત્રે ફાયર વિભાગને શહેરના વિવિધ વિસ્તારોમાંથી લગભગ સાત જગ્યાઓએ ટ્રાન્સફોર્મર અને વીજ રેષાઓમાં ધડાકા અને આગ તથા તુટફૂટના કોલ મળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, લોકો નવા નવા વીજ ઉપકરણોનો વપરાશ શરૂ કરી દે છે પરંતુ વીજ જોડાણનો વીજ ભાર એટલો ને એટલો જ રાખે છે. પરિણામે ઉનાળામાં લોડ વધતા ઉપકરણોમાં આગની ઘટનાઓ બને છે.