Site icon Revoi.in

સુરતમાં કોરોના લીધે પાવરલૂમ અને મિલોએ શ્રમિકોને છૂટા કરતા પરપ્રાંતના શ્રમિકો વતન જવા રવાના

Social Share

સુરત : શહેરમાં કોરોનાના કેસમાં રોજબરોજ વધારો થતો જાય છે. લોકોમાં પણ કોરોનાને કારણે ભય વ્યાપેલો છે. કાપડ બજારમાં હાલ મંદી ચાલી રહી છે. તેથી મિલ માલિકો અને કાપડ ઉદ્યોગ  સાથે સંકળાયેલા વેપારીઓ શ્રમિકોને નોકરીમાંથી કાઢી રહ્યાં છે.  જેના લીધે પરપ્રાંતના શ્રમિકો પોતાના વતન પરત જવા મજબૂર થયા છે. અત્યાર સુધી લગભગ 1 લાખથી વધુ લોકો સુરત છોડી ચૂક્યાહોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં અનેક ઉદ્યોગો આવેલા છે. માત્ર ગુજરાતના જ નહીં પણ પરપ્રાંતના હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ સુરતનો કાપડ ઉદ્યોગ માંડ માંડ ટ્રેક પર આવ્યો હતો. ત્યારે સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોનાની ત્રીજી લહેરે કાપડ ઉદ્યોગની દશા બગાડી નાંખી છે. દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર લોકોના સ્વાસ્થ્ય અને ઉદ્યોગ બંનેને નુકસાન પહોંચાડી રહી છે. સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા કાપડ ઉદ્યોગનો લગ્નસરાનો વેપાર બગડ્યો છે. મિલ માલિકો અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ શ્રમિકોની છટણી કરવા લાગ્યા છે. નોકરીમાંથી કાઢી દેવાતા શ્રમિકો પોતાના વતન જવા માટે મજબૂર થયા છે. દેશભરમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે લગ્નસરાની સીઝન હોવા છતાં ડિમાન્ડમાં અછત જોવા મળી રહી છે. કાપડ ઉત્પાદનને અસર નોંધવાની શરૂઆત થઈ ગઈ છે. એટલું જ નહીં સરકાર દ્વારા લગ્નસરા માટે પણ SOP જાહેર કરી દેવાતા ડાઈનિંગ, પ્રિન્ટિંગ, મિલો સહિત વિવિંગ એકમોમાં પણ કામ ઘટ્યું છે. જેથી કેટલાક વેપારીઓ છટણી કરી રહ્યા છે. રોજગારી ન હોવાના કારણે યુપી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, રાજસ્થાનના શ્રમિકો પોતાના વતન જવા માટે મજબૂર થયા છે. અનેક મિલમાલિકોએ 2 દિવસની રજા પણ અઠવાડિયા દરમિયાન જાહેર કરી દીધી છે. તો વિવિંગ યુનિટમાં 2 પાળીની જગ્યાએ એક પાળી કરી દેવામાં આવી છે.

શહેરના પાડેસરામાં સાડી ફોલ્ડિંગનું કામ કરનારા કારીગરોએ જણાવ્યું હતું કે, જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે. આવી જ પરિસ્થિતિનો સામનો  કરી રહ્યા છે, જ્યારે પણ કેસો વધે છે ત્યારે અમને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે. સુરત જિલ્લા ટેક્સટાઇલ શ્રમિક યુનિયનના સૂત્રોએ જણાવ્યું કે, કોરોનાના કેસો વધતા ટેક્સટાઇલ માર્કેટમાં અને કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન ઓછું છે. ઉદ્યોગકારો અને વેપારીઓ કામદારોને કાં તો કાઢી રહ્યા છે કાં તો ઓછા પગારે નોકરી કરવા કહી રહ્યા છે. આ અંગે  યુનિયનને અનેક ફરિયાદો પણ મળી છે. પહેલા હોળી પર શ્રમિકો પોતાના વતન જતા હતા, પરંતુ આ વખતે નોકરી જવાના કારણે હાલ જ વતન જવા માટે મજબૂર થઈ રહ્યા છે. (file photo)