Site icon Revoi.in

પ્રધાનમંત્રી જન ધન યોજનાને 7 વર્ષ પૂર્ણઃ 43.04 કરોડ લાભાર્થીઓને બેંકિંગની સુવિધાઓ મળી

Social Share

દિલ્હીઃ પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય )ની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ, 2014ના રોજ તેમના સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી હતી. જ્યારે એ વર્ષે 28 ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ શરૂ થયો હતો, ત્યારે પ્રધાનમંત્રીએ આ પ્રસંગને નાણાકીય રીતે નુકસાનકારક ચક્રમાંથી ગરીબોને છોડાવવાની ઉજવણીનો એક પ્રસંગ ગણાવ્યો હતો. આ યોજનાને સાત વર્ષ પૂર્ણ થયાં છે. અત્યાર સુધી 43.04 કરોડ લાભાર્થીઓને બેંકિંગની સુવિધાઓ મળી છે, આ ખાતાઓમાં કુલ ડિપોઝિટ રૂ. 146,231 કરોડ છે. માર્ચ, 2015માં 14.72 કરોડથી ત્રણ ગણા વધીને 18મી ઓગસ્ટ 2021 સુધી 43.04 કરોડ થયા છે.

પ્રધાનમંત્રી જન ધન યોજનાનો સૌથી વધારે લાભ મહિલાઓને મળ્યો છે. 55 ટકા જન ધન ખાતાધારકો મહિલાઓ છે અને 67 ટકા જન ધન ખાતાઓ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં છે. હાલ 43.04 કરોડ પીએમજેડીવાય ખાતાઓમાંથી 36.86 કરોડ ખાતા ચાલુ છે. પીએમજેડીવાય ખાતાધારકોને 31.23 કરોડ જેટલા રૂપે કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે.

પીએમજેડીવાયની સાતમી વર્ષગાંઠ પર નાણાં મંત્રી નિર્મલા સીતારમને આ યોજનાના મહત્વ પર ભાર મૂકીને કહ્યું હતું કે, “પીએમજેડીવાય અંતર્ગત હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોએ સાત વર્ષના ટૂંકા ગાળાની સફરમાં પરિવર્તનકારક અને દિશાદર્શક એમ બંને પ્રકારની અસર ધરાવે છે, જેનાથી વિકસતી એફઆઈ ઇકોસિસ્ટમ સમાજના અતિ ગરીબ વર્ગના છેવાડાના માનવીને નાણાકીય સેવાઓ આપવા સક્ષમ બની છે.

પીએમજેડીવાયના પાયામાં છે – બેંકિંગની સુવિધાથી વંચિતોને બેંકિંગ સેવાઓ પ્રદાન કરવી, અસુરક્ષિત લોકોને સામાજિક સુરક્ષા આપવી અને ફંડ મેળવવા સક્ષમ ન હોય એવા લોકોને ફંડ પ્રદાન કરવું, જેના પગલે બેંકિંગ અને નાણાકીય સેવાઓથી વંચિત અને ઓછી સેવા ધરાવતા લોકો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ હિતધારકો વચ્ચે જોડાણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.”