Site icon Revoi.in

પ્રકાશ મહેરાની જન્મ જ્યંતિઃ મહેરાની આ ફિલ્મે અમિતાભ બચ્ચનને આપી એંગ્રી યંગમેનની ઓળખ

Social Share

મુંબઈઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે પણ પ્રશંસકોના દિલમાં રાજ કરે છે. જો કે, અમિતાભ બચ્ચનની અહીં સુધીની સફર અનેક પડકારોથી ભરેલો છે. પરંતુ અમિતાભ બચ્ચનને સુપર સ્ટાર બનાવવામાં પ્રકાશ મહેરાની મહત્વની ભૂમિકા રહેલી છે. આજે પ્રકાશ મહેરાનો જન્મ દિવસ છે. પ્રકાશ મહેરાનો જન્મ 13મી જુલાઈ 1939માં ઉત્તરપ્રદેશના બિજનોરમાં થયો હતો. તેઓ દિલ્હીમાં કાકા-કાકી સાથે રહેતા હતા. નાનપણથી જ તેઓ ફિલ્મમાં કામ કરવાનું સ્વપ્ન જોતા હતા. જેથી તેમને પોતાનો અભ્યાસ પણ અધુરો મુકીને મુંબઈ આવવાનો નિર્ણય લીધો હતો. મુંબઈમાં આવતાની સાથે જ તેમને પ્રોડ્કશન કન્ટ્રોલરની નોકરી શરૂ કરી હતી. જે બાદ તેમણે નિર્દેશનમાં ઝંપલાવ્યું હતું અને અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી.

અમિતાભ બચ્ચને 70ના દાયકામાં બોલીવુડમાં કેરિયરની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમને અનેક ફિલ્મોમાંથી રિઝેક્ટ કરવામાં આવ્યાં હતા. ભારે અવાજ અને ઉંચાઈને કારણે મોટાભાગના નિર્માતા-નિર્દેશક તેમને પોતાની ફિલ્મમાં લેવાનું ટાળતા હતા. તે સમયમાં કાસ્ટિંગ ડાયરેક્ટર ન હતા. જેથી અભિનેતાએ જાતે કામ માંગવા જવુ પડતું હતું. આ સમયમાં અમિતાભ બચ્ચન ભારે સંઘર્ષ કરી રહ્યાં હતા. તેમની શરૂઆતની કેટલીક ફિલ્મો નિષ્ફળ રહી હતી. શેરા, પ્યાર કી કહાની, રાસ્તે કા પથ્થર જેથી ફિલ્મો નિષ્ફળ રહી હતી. આ સમય દરમિયાન બચ્ચનની બે ફિલ્મ આનંદ અને બોમ્બે ટુ ગોવા રિલીઝ થઈ હતી. જો કે, આ ફિલ્મોથી અમિતાભ બચ્ચનને કોઈ ફાયદો થયો ન હતો. આ સમયગાળામાં બચ્ચનની જીંદગીમાં પ્રકાશ મહેરાની એન્ટ્રી થઈ હતી.

પ્રકાશ મહેરા શરૂઆતથી જ મસાલા અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ બનાવવામાં વિશ્વાસ રાખતા હતા. જો કે, તે સમયમાં રાજેશ ખન્નાનો ફિલ્મ જગતમાં એક્કો હતો. તેમજ લોકો રાજેશ ખન્નાની રોમેન્ટીક ફિલ્મો જોવાનું પસંદ કરતા હતા. આ વચ્ચે પ્રકાશ મહેરાનો અંદાજ પણ અલગ જ હતો. તેઓ સારા નિર્દેશક હતા જે ક્યારેય ફિલ્મની સ્ક્રીપ્ટ હાથમાં રાખતા ન હતા. પરંતુ ફિલ્મ તેમના દિમાગમાં ચાલતી હતી. તેઓ સેટ ઉપર હાજર કલાકારો ઉપર વિશ્વાસ રાખતા હતા. તેમણે અમિતાભ બચ્ચન સાથે ઝંઝીર, મુકદર કા સિંકદર, લાવારિસ અને શરાબી જેવી સુપર હિટ ફિલ્મ બનાવી હતી.

પ્રકાશ મહેરા ઝંઝીર માટે કોઈ નવા ચહેરાની શોધમાં હતા. તેમણે અનેક અભિનેતાઓએ ફિલ્મની વાર્તા સંભળાવી હતી. જો કે, રાજેશ ખન્નાના જમાનામાં મોટાભાગના કલાકારો રોમેન્ટિક ફિલ્મ કરવાનું જ પસંદ કરતા હતા. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, રાજકુમાર અને દેવ આંનદ સુધીના કલાકારોએ કામ કરવાની ના પાડી હતી. આ દરમિયાન ફિલ્મના લેખક સલીમ-જાવેદએ અમિતાભ બચ્ચનનું નામ પ્રકાશ મહેરાને આપ્યું હતું. પ્રકાશ મહેરાએ બોમ્બે ટુ ગોવા જોઈ હતી. જેમાં બચ્ચનનો અભિનય તેમને પસંદ પણ આવ્યો હતો. આ બાદ તેમણે અમિતાભ બચ્ચનને ફિલ્મમાં સાઈન કર્યાં હતા.

(Photo - Social Media)