લખનૌઃ અયોધ્યામાં આજે ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોસવ યોજાશે, જેને લઈને સમગ્ર અયોધ્યાને હજારો ક્વિન્ટલ ફુલોથી શણગાવરામાં આવી છે. રામલલાના શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક વિધિ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી, સંત સમાજ અને ખાસ લોકોની હાજરીમાં પૂર્ણ થવા જઈ રહી છે. 23 જાન્યુઆરીથી મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. મૈસુરના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે ભગવાન રામની ઐતિહાસિક પ્રતિમા બનાવી છે. નવી 51 ઇંચની મૂર્તિ ગુરુવારે મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી હતી.
અયોઘ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સવારથી વિવિધ આમંત્રિત વીવીઆઈપી અને મહેમાનોનું આગમન શરુ થયું હતું. અયોધ્યામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. 500 વર્ષના લાંબા વનવાસ બાદ ભગવાન શ્રી રામજીનું અયોધ્યામાં આગમન થઈ રહ્યું છે. આ મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. વિવિધ શહેરો અને નગરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે.