Site icon Revoi.in

વડોદરામાં ટ્રાફિકથી ધમધમતો પ્રતાપનગર બ્રિજ બન્યો જર્જરિત, મરામતની ઊઠી માગ

Social Share

વડોદરાઃ શહેરમાં 24 કલાક ટ્રાફિકથી ધમધમતો પ્રતાપનગર બ્રીજ જર્જરિત બની ગયો છે, બ્રીજની પ્રોટેક્શન વોલ પણ તૂટી ગઈ છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશનના શાસકો દ્વારા અવાર-નવાર સ્માર્ટ સિટીની વાતો કરતા હોય છે, પરંતુ  હયાત બ્રીજ પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવી રહી છે. શહેરના પ્રતાપનગર રેલવે ઓવરબ્રિજનું સમારકામ કરવામાં ન આવતાં આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના સર્જે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ  વડોદરા શહેરનો પ્રતાપનગર ઓવરબ્રીજ વર્ષો જૂનો છે. તે હવે જર્જરિત થઈ જતા સમારકામ માગી રહ્યો છે. તેમજ ટ્રાફિકનું ભારણ વધવા છતાં બ્રિજને પહોળાઈ ઓછી હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટનાઓ પણ બની રહી છે. શહેરના ચોખંડીથી બરોડા ડેરી તરફના માર્ગનો પ્રતાપનગર ઓવરબ્રીજ વર્ષો જૂનો છે. અવારનવાર પેચવર્કના થીગડાના પગલે રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે. ચાલવા માટેનો ફૂટપાથ પણ દયનીય હાલતમાં છે. બ્રીજની આજુબાજુની પ્રોટેકશન વોલ પણ તૂટી ગઈ છે. બ્રીજની શરૂઆતમાં તથા અંતે ડાયવર્ઝન માટેનું ડિવાઈડર વારંવાર અકસ્માતને નોતરું આપે છે. બ્રીજ વર્ષો જૂનો હોય સુરક્ષા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.

શહેરનો પ્રતાપનગર ઓવર બ્રીજ પર સતત ટ્રાફિકથી ધમધમતો હોય તંત્ર દ્વારા હજુ સુધી બ્રીજની પહોળાઈ અંગે જરૂરી નિર્ણય લેવામાં આવ્યો નથી. પરિણામે પીક અવર્સ દરમિયાન આ માર્ગ ઉપર સતત ટ્રાફિકનું ભારણ રહે છે. આ અંગે લોકોએ તંત્રની ઝાટકણી કાઢી વહેલી તકે બ્રિજના રીનોવેશનની કામગીરી હાથ ધરવા માંગ કરી છે. આમ, સ્માર્ટ સિટી વડોદરામાં હજુ પણ લોકો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે.