પ્રયાગરાજઃ અતિક અહેમદને શહીદ ગણનાર કોંગ્રેસ નેતાને હાઈકમાન્ડે સસ્પેન્ડ કર્યો
પ્રયાગરાજઃ કોંગ્રેસ સહિતના કેટલાક રાજકીય પક્ષો ઉપર મુસ્લિમના તૃષ્ટીકરણને લઈને અગાઉ ગંભીર આક્ષેપ થયાં હતા. પોતાની રાજકીય ઈચ્છાશક્તિ પૂર્ણ કરવા માટે નેતાઓ તમામ હદ પાર કરતા અચકાતા નથી. દરમિયાન કોંગ્રેસના નેતાએ 100થી વધારે ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદની કબર ઉપર તિરંગો લગાવ્યો હતો, એટલું જ નહીં તેને ભારત રત્ન આપવાની માંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોંગ્રેસ નેતાના વીડિયોને પગલે લોકોએ નેતા ઉપર આકરા પ્રહાર કર્યાં છે. દરમિયાન પોલીસે કોંગ્રેસના આ નેતાની અટકાયત કરી હતી. પ્રયાગરાજમાં અતીક અહેમદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપનાર કોંગ્રેસના નેતાને પાર્ટીએ બહારનો રસ્તો બતાવી દીધો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજમાં કોંગ્રેસના નેતા અને કાઉન્સિલરના ઉમેદવાર રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ અતીક અહેમદની કબર પર તિરંગો લગાવ્યો હતો. એટલું જ નહીં રાજકુમારે તો અતીક અહેમદને શહીદ જાહેર કરી તેને ભારત રત્ન આપવાની માંગ પણ કરી હતી. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ પ્રયાગરાજે તેને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો, સાથે જ કોંગ્રેસે તેને રાજકુમારનું અંગત નિવેદન ગણાવ્યું છે. તેમની કાઉન્સિલરની ઉમેદવારી પણ પાછી ખેંચી લેવામાં આવી છે. રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર અતિકની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. તેમના નિવેદનની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે.
રાજકુમાર સિંહ ઉર્ફે રજ્જુ ભૈયા લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં છે. તેઓ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 43 દક્ષિણ મલાકામાંથી કોંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ અગાઉ પણ કાઉન્સિલરની ચૂંટણી લડી ચૂક્યા છે. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો, ત્યારબાદ પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. માફિયામાંથી રાજનેતા બનેલા અતીક અહેમદને ત્રણ હુમલાખોરોએ તાજેતરમાં જ ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ આ મુદ્દે રાજકારણ શરૂ થયું હતું. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. વિપક્ષે તેની આકરી ટીકા કરી હતી.