Site icon Revoi.in

ગુજરાત સરકારના 2005 પહેલાના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ કરવા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી હતી. કર્મચારીઓએ આ પ્રશ્ને આંદોલનો પણ કર્યા હતા. સરકાર દર વખતે આશ્વાસન આપીને કર્મચારીઓને મનાવી લેતી હતી. દરમિયાન રાજ્યના કર્મચારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત ટાણે જ આંદોલનની ચીમકી આપતા સરકારે કર્મચારી આગેવાનોને બોલીવીને હૈયાધારણ આપી હતી. અને સરકારે કર્મચારી મંડળોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા બાદ વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને જુની પેન્શન યોજના આપવાની જાહેરાત કરી છે. અને આજે મંત્રી મંડળની કેબીનેટની બેઠકમાં વિધિવત જાહેરાત કરીને પરિપત્ર જારી કરવામાં આવશે.

ગુજરાતના 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. આજે રવિવારે કેબિનેટની બેઠક યોજાશે છે. તેની પૂર્વસંધ્યાએ શનિવારે સાંજે રાજ્યના પ્રવક્તા મંત્રીએ આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનો જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલન કરી રહ્યા હતા. એટલું જ નહીં, તાજેતરમાં વડાપ્રધાનની મુલાકાત સમયે આંદોલન કરવાની ચીમકી આપી હતી પરંતુ આ કાર્યક્રમ સરકારની હૈયાધારણા બાદ મુલતવી રાખ્યો હતો,

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મહામંડળ અને તેની સાથે સંલગ્ન તમામ મંડળના હોદ્દેદારો સાથે સકારાત્મક વાતાવરણમાં ચર્ચાઓ થઈ છે. આજે રવિવારે કેબિનેટમાં એમની માગણીઓની સ્વીકારાશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવખત એક સકારાત્મક બાબત જોવા મળી કે કર્મચારી મંડળે કહ્યું કે અમારા જોબચાર્ટ છે. અમારે કરવાના કામમાં વધારાના કામ અમે કરીશું અને એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું. કર્મચારી સાથે જોડાયેલી બાબતો અંગે સકારાત્મક સૂચનો કરીશું. આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે, તે લેખિત સ્વરૂપે પણ આપવાના છે.

અત્રં ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ ઘણા સમયથી કરી રહ્યા છે. 24 હજાર શિક્ષકો અને બીજા કર્મચારીઓ મળી કુલ 60 હજારથી વધુ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમની માગ કરી રહ્યા હતા. 2022માં સરકારે તેમને જૂની પેન્શન સ્કીમમાં સમાવેશ કરવાની ખાતરી આપી હતી અને પ્રેસ નોટ પણ જાહેર કરી હતી. 2 વર્ષનો સમય વીતી જવા છતાં તેનો અમલ કરાયો નહતો.