અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના આગમનને દોઢથી બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરીનો પ્રારંભ કરાયો છે. શહેરમાં એકથી બે ઈંચ વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરતા હોય છે. આથી જે રોડ પર પાણી ભરાતા હોય તેવા 146 સ્થળો લોકેટ કરવામાં આવ્યા છે. જેમાં 110 જેટલા વોટર લોગિંગ સ્પોટને દૂર કરવામાં આવ્યા છે. જેથી, આગામી ચોમાસા દરમિયાન શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાશે નહીં. એવો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ મ્યુનિના આ દાવા કેટલાક સાબિત થાય છે તે ચોમાસામાં જ ખબર પડશે.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રિમોન્સૂન કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન શહેરમાં માત્ર થોડા વરસાદમાં પાણી ભરાઈ જાય છે. જેથી, વોટર લોગિંગ સ્પોટને શોધવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કુલ 146 જેટલા સ્થળો એવા છે.કે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે. તેમાંથી 56 જગ્યાએ કામ પૂરું કરી દેવામાં આવ્યું છે, જ્યારે 54 જગ્યાએ કામ ચાલુ અને 36 જગ્યાએ આયોજનમાં છે. જે સ્થળો ઉપર પાણી ભરાય છે ત્યાં નવી સ્ટ્રોમ વોટર લાઈન અને કેચપીટ નાખવામાં આવી છે જેથી ઝડપથી પાણીનો નિકાલ કરી શકાશે.
પ્રિ-મોન્સુનની કામગીરીની માહિતી આપતા તેમણે વધુમાં કહ્યું હતું કે, શહેરમાં જે કેચપીટો આવેલી છે તેને પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. કેચપીટ આસપાસ કચરો દૂર કરવાની અને તેમાં ડીશીલ્ટિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ગટરની સફાઈ કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન જ્યારે પણ વોટર લોગિંગ સ્પોટ પર પાણી ભરાય ત્યારે કેચપીટને ખોલવા માટે વોલિયન્ટરની પણ મદદ લેવા અંગેનું સુચન કરવામાં આવ્યું છે.