Site icon Revoi.in

અમદાવાદમાં પ્રિ-મોન્સુન કામગીરીઃ રસ્તાઓ પર ભરાતા વરસાદી પાણીના સ્પોટ નક્કી કરાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી સરૂ થઈ ગઈ છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ પણ પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરી છે. શહેરના મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે પાલડી ખાતે પ્રિ- મોન્સૂન બેઠક યોજાઈ હતી. શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ અને અન્ય સમસ્યાઓના ઉકેલ માટે મળેલી બેઠકમાં કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારો વોટર સપ્લાય કમિટી, રોડ એન્ડ બિલ્ડિંગ અને હેલ્થ કમિટિના ચેરમેનને બોલાવવાનું ભૂલી ગયા હતા. જો કે, સ્ટેન્ડિંગ ચેરમેને ચાલુ બેઠકમાં ચેરમેનોને ફોન કરી જાણ કરી હતી. જો કે બેઠકમાં માત્ર વોટર સપ્લાય કમિટિના ચેરમેન જતીન પટેલ પાછળથી હાજર રહ્યા હતા. અન્ય બે કમિટિના ચેરમેન બેઠકમાં આવ્યા ન હતા.

શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઘણા રોડ-રસ્તો પર વરસાદી પાણી ભરાતા હોય છે. ચોમાસામાં શહેરમાં વરસાદી પાણી કઈ રીતે ભરાય અને વધુ પાણી ભરાય છે, તેવા સ્પોટ નક્કી કરી અને ત્યાં ઝડપથી પાણીના નિકાલ અંગે તેમજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં  24 મુદ્દાઓ તારવામાં આવ્યા છે અને તેના પર આજે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહત્વનો મુદ્દો હતો કે, શહેરમાં જે પણ જગ્યાએ પાણી ભરાય છે તેનો નિકાલ કેવી રીતે કરવો. સાથે સાથે હોર્ડિંગ અને વીજ થાંભલાની ચકાસણી, જર્જરિત મકાનો અને ધરાશાયી થાય તેવા વૃક્ષોનું તાત્કાલિક નિકાલ કરવો, મકાન માલિકોને નોટિસ આપી અને તેની કામગીરી કરાવી, રસ્તે રખડતા ઢોર અને બહાર ફુટપાથ પર રહેતા લોકોને રેનબસેરામાં યોગ્ય વ્યવસ્થા કરાવી જેવા અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

દર ચોમાસાની સીઝનમાં ભુવા પડવાની સમસ્યાઓ વધારે હોય છે. રોડ ધોવાઈ જવા જેવી પણ તકલીફો આવતી હોય છે. ત્યારે આ વરસાદની સીઝનમાં આવી તકલીફો જનતાને ન પડે તેના માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં ખોદકામ ચાલુ છે. અને કામ અધૂરા છે તેમને તાકીદે પુરા કરી દેવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસામાં ખાસ કંટ્રોલ રૂમમાંથી કામ થતાં હોય છે. ત્યારે આ વર્ષે પણ કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બેઠકમા અલગ અલગ કામો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશને કરેલી તમામ તૈયારીઓ વરસાદ પડતાં જ પાણીમાં જાય છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા હોય કે અંડર બ્રિજ બંધ કરવાની સમસ્યાઓ ઉભી જ રહે છે. અત્યારે કરેલી કોર્પોરેશનની તૈયારીઓની પોલ પહેલા વરસાદમાં જ ખુલી જવાની છે.