વડોદરાઃ ગુજરાતમાં જુન મહિનામાં મેઘરાજાનું વાજતે ગાજતે આગમન થઈ જશે. એટલે 15મીથી 25મી જુન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે. હાલ તમામ મહાનગરોમાં પ્રિ-મોન્સુનની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 85 ટકા પ્રિ-મોન્સુનની કામગીરી પૂર્ણ કરી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર મહંદઅંશે પ્રી-મોન્સૂન કામગીરી જણાઇ રહી છે, પરંતુ આંતરિક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે. રસ્તા ઉબડખાબડ અને અકસ્માતને આમંત્રણ આપતી ડ્રેનેજ અને વરસાદી ગટરો ખૂલ્લી જોવા મળી રહી છે. ત્યારે આગામી ચોમાસામાં વડોદરાના શહેરીજનોની હાલત કફોડી બનશે તે નક્કી છે.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે, મ્યુનિ. દ્વારા 85 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવીછે, પણ ઘણા વિસ્તારો એવા છે. કે, જ્યાં સામાન્ય વરસાદમાં પણ રોડ-રસ્તાઓ પર પાણી ભરાય જાય છે. કેટલાક રસ્તાઓ પરના ખાડાં પૂરવામાં આવ્યા નથી. તેથી વરસાદને લીધે ખાડાંમાં પાણી ભરાશે તો વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મ્યુનિના સત્તાધીશો પોતાનું નામ અને તેમના દ્વારા કરાયેલી કામોની જાહેરાતો કરવા માટે વારંવાર ફોટો સેશન કરતા હોય છે. કાંસ સહિતની મુલાકાત લેતા હોય છે, પરંતુ વડોદરા શહેરનો પૂર્વ ઝોન આખો ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે. કારણ કે સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા સુધીમાં જ 10થી વધારે ખાડા છે. તો બીજી તરફ ખોડીયારનગર વિસ્તારમાં એક કિલોમીટરની અંદર 12 જેટલા ખાડા છે. જેના કારણે વાહન ચાલકોને અવર-જવર કરવામાં મુશ્કેલી થઈ રહી છે.
આ અંગે મ્યુનિના વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, મ્યુનિ.ના સત્તાધીશો આગામી 5મી જૂન પહેલા વડોદરા શહેરના તમામ ખાડાઓ પૂરાઇ જશે અને જે ખાડાઓ પૂરવામાં નહીં આવે ત્યાં આગળ બેરીકેડ લગાવી દેવામાં આવશે તેવી પણ જાહેરાતો કરી રહ્યા છે, પરંતુ આ જાહેરાતો કર્યા બાદ મ્યુનિ.ના સત્તાધીશો કામગીરી યોગ્ય થાય છે તે અંગે ચકાસણી કરશે કે ફક્ત કાગળ ઉપર રહેશે તે સમય બતાવશે.