ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ સ્માર્ટ સીટીની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. શહેરના ઘ – 2 સર્કલ પાસે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી નાગરિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી રાયસણ, કુડાસણ તેમજ શહેરના કેટલાક માર્ગોનું ધોવાણ થઈ ગયું હતુ. મસમોટા ભૂવો પણ ધોળેશ્વર જતાં રોડ પર પડ્યો હતો. તો ઘ – 2 સર્કલ નજીક આડેધડ ખોદકામનાં કારણે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું હતું. જેનાં કારણે ભારે વરસાદ વરસ્યો હોય એવો નજારો જોવા મળી રહ્યો છે. ઘ સર્કલ આસપાસના રોડ ઉપર પાણી ફરી વળતા વાહનચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા હજી સુધી કોઈ સમારકામની કાર્યવાહી કરાઈ નથી. જેથી નગરજનોના જીવ પણ જોખમમાં મુકાયા હોય એવો ઘાટ સર્જાયો છે.
રાજયના પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સુવિધાઓ આપવાની હરણફાળમાં તંત્ર દ્વારા ઠેર-ઠેર આડેધડ ખોદકામ કરીને યોગ્ય માટીનું પુરાણ તેમજ અમુક જગ્યાએ અધૂરું કામ કરવામાં આવતાં માત્ર એક ઇંચ વરસાદમાં જ સ્માર્ટ સીટીની કામગીરીની પોલ ખુલી ગઈ છે. ખાસ કરીને ઘ – 2 સર્કલ પાસે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી નાગરિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. ગાંધીનગરમાં હજી તો નામ માત્રનો વરસાદ વરસ્યો એમાં જ સ્માર્ટ સીટીની આડેધડ કરવામાં આવતી કામગીરીની પોલ ખુલી ગઈ છે. છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પાટનગરમાં છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે.