અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રિક્ષાચાલકો માટે પ્રિપેઈડ પિકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું છે. એરપોર્ટ ઓથોરિટી તરફથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે તાજેતરમાં જ રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં અત્યારસુધીમાં 200થી વધુ રિક્ષાચાલકો જોડાયા છે અને વધુ લોકો જોડાય તે માટેના ઓથોરિટી તરફથી પ્રયાસો ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટનું સંચાલન શરૂ કરનારા અદાણી ઓથોરિટીએ રિક્ષાચાલકો માટે મુસાફરોને લાવવા-લઈ જવા માટે પિક અપ પોઇન્ટ અને ડ્રોપ પોઇન્ટ ઊભા કર્યા હતા. તેમ છતાં કેટલાક રિક્ષાચાલકો તેનું પાલન કરતા નહિ હોવાની સાથે અમુક લોકો આર.સી.બુક, લાયસન્સ પણ ધરાવતા નહિ હોવાની ફરિયાદો મળી હતી. તેને ધ્યાનમાં લઈને ઓથોરિટીએ મુસાફરોની સલામતિ અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવા માટે પ્રિપેડ રિક્ષા સર્વિસ શરૂ કરી હતી. તેમાં જોડાવવા માટે રિક્ષાચાલકે એકપણ રૂપિયો આપવાનો ન હતો. પરંતુ તેમણે વેક્સીન સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન, રિક્ષાની આર.સી.બુક, ડ્રાયવરનું લાયસન્સ સહિતના જરૂરી સરકારી દસ્તાવેજો આપવાના હતા. તેની સામે ઓથોરિટીએ રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિક અપ સ્ટેન્ડ ઊભું કર્યું હતું. એટલું જ નહીં તેમને યુનિફોર્મ, યોગ્ય તાલીમ, સેફ્ટી શૂઝ આપ્યા હતા.
નવી શરૂ કરાયેલી સર્વિસ પ્રમાણે પિક અપ સ્ટેન્ડ પર કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું છે. ત્યાં ક્રમવાઇઝ રિક્ષાચાલકોને મુસાફરો આપવામાં આવે છે અને મુસાફરોએ નિયમ પ્રમાણેનું ભાડું કાઉન્ટર પર ઓનલાઈન કે અન્ય પદ્ધતિથી ચૂકવવાનું રહે છે. તેની સામે કાઉન્ટર પરથી મુસાફરને રસીદ આપવામાં આવે છે. તે રજૂ કરતા કાઉન્ટર પરથી રિક્ષાચાલકને રકમ ચૂકવી દેવામાં આવે છે. આ સર્વિસમાં અત્યાર સુધીમાં 200થી વધુ રિક્ષાચાલકો જોડાયા છે.