અમદાવાદ: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટીક એરપોર્ટ પર પ્રિ-પેઇડ રિક્ષા બુથ બનાવવામાં આવ્યુ છે. 1 ડિસેમ્બરથી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રિ-પેઇડ રિક્ષા સર્વિસ શરૂ થશે. પ્રિ-પેઇડ રિક્ષા સર્વિસ સાથે જોડાનારા તમામ રિક્ષાચાલકોને રસી લીધાનું બક્કલ પણ આપવામાં આવશે. મુસાફરોએ એરપોર્ટથી જે તે સ્થળે જવા માટે પ્રિ-પેઇડ બુથ પર ભાડું ચૂકવવાનું રહેશે.
અમદાવાદમાં એરપોર્ટ પર પ્રવાસીઓ માટે પ્રિ-પેઈડ રિક્ષાની સેવા આગામી તા. 1લી ડિસેમ્બરથી શરૂ કરાશે. પ્રવાસીઓ સાથે હાલ ભાડું વસૂલવા અંગે ખાનગી રિક્ષા ચાલકોની માથાકુટ થતી હોવાથી પ્રિ-પેઇડ રિક્ષા બુથ બનાવવામાં આવી રહ્યાનો એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. રિક્ષા બુથ પર મુસાફરોએ ભાડું રોકડમાં અથવા ડિજિટલી ચૂકવવાનું રહેશે. એરપોર્ટ પર પ્રિ-પેઈડ રિક્ષા બુથ કાર્યરત થયા બાદ શહેરના રીક્ષા ચાલકો મુસાફરોને એરપોર્ટ પર ઉતારી શકશે પરંતુ એરપોર્ટથી મુસાફરોને બેસાડીને પરત નહીં ફરી શકે. માત્ર આ સર્વિસ સાથે જોડાયેલા જ રિક્ષા ચાલકો એરપોર્ટથી મુસાફરોને જે તે સ્થળે મુકવા જઈ શકશે. આ સર્વિસ સાથે જોડાયા બાદ રિક્ષા ચાલકોએ મુસાફરો મળવા બદલ નિશ્ચિત ચાર્જ/ રકમ પણ ચૂકવવાની રહશે. હાલ રિક્ષા ચાલકોએ એરપોર્ટ પર આવવા બદલ 60 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહે છે, જેના બાદ હવે રિક્ષા બુથ બનતા મુસાફરદીઠ ચાર્જ પણ ચૂકવવો પડશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના ડોમેસ્ટિક ટર્મિનલ પર 1 ડિસેમ્બરથી પ્રી-પેઈડ રિક્ષા સર્વિસ શરૂ થશે. આ માટે એરાઈવલ ગેટની સામે બૂથ તૈયાર થશે. પેસેન્જરોએ બૂથ પર જ ભાડું ચૂકવવાનું રહેશે. આ સુવિધામાં જોડાનાર તમામ રજિસ્ટર્ડ થનારા રિક્ષાચાલકને રસી લીધાનું બક્કલ આપવામાં આવશે.એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, રિક્ષાચાલકો પેસેન્જરો પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની અનેક ફરિયાદો છે. જેને પગલે એરપોર્ટ મેનેજમેન્ટે પ્રી-પેઈડ રિક્ષા સર્વિસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તમામ રિક્ષાચાલકોનું રજિસ્ટ્રેશન તેમજ પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવશે.