કોરોનાની ત્રીજી લહેરને લઈને આગમચેતી પગલા લેવાયા, બાળકો પર વેક્સિનના ટ્રાયલને મંજુરી
- બાળકો પર થશે વેક્સિનના ટ્રાયલ
- ત્રીજી લહેર પહેલાના આગમચેતી પગલા
- લોકોને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ ન કરવા સરકારની અપીલ
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરના કારણે જે લોકોને તકલીફ પડી છે તેને લઈને હવે સરકાર દ્વારા આગમચેતી પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાવાયરસની ત્રીજી લહેરની વાતો થઈ રહી છે ત્યારે ત્રીજી લહેરમાં વધારે નુક્સાન ન થાય તે માટે બાળકો પર વેક્સિનના ટ્રાયલને મંજૂરી આપી દેવામાં આવી છે.
ત્રીજી લહેરમાં બાળકોને અસર થઈ શકે છે એ હકીકતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી આપી છે. ટ્રાયલનો આ તબક્કો આગામી 10થી 12 દિવસમાં શરૂ થાય એવી શક્યતા છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાના પગલે અને એ લહેરમાં બાળકોને પણ અસર થાય તેવી શક્યતા હોવાથી બે વર્ષથી 18 વર્ષના બાળકો માટે વેક્સિન તૈયાર કરવામાં આવી છે. ટ્રાયલ 2થી 18 વર્ષના 525 બાળકો પર થશે.
દુનિયાભરમાં 18 વર્ષથી ઉપરની વયના લોકોનું જ કોરોના સામે રક્ષણ આપવા વેક્સિનેશન થાય છે. અમેરિકાએ ગત 10મી મેથી 12થી 15 વર્ષના બાળકોને વેક્સિન આપવા માટે ઈમરજન્સી મંજૂરી આપી હતી. તે સિવાય અત્યારે દુનિયામાં ક્યાંય પણ બાળકોનું વેક્સિનેશન થતું નથી. આગામી દિવસોમાં બે વર્ષથી 18 વર્ષ સુધીના તમામ બાળકો-કિશોરોને વેક્સિન મળે તેના પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ભાર મૂક્યો હતો.
કોરોનાવાયરસની બીજી લહેર ભારતમાં આવી છે તે બાદ અન્ય દેશો પણ ચેતી ગયા છે અને આગમચેતી પગલા લઈ રહ્યા છે. કોરોનાવાયરસના કારણે મોટા પ્રમાણમાં જાનહાની પણ થઈ છે અને તે ફરીવાર ન થાય તે માટે સતર્કતા દાખવવામાં આવી રહી છે. હાલ કોરોનાવાયરસના કેસમાં ઘટાડો તો જોવા મળી રહ્યો છે પણ કોરોનાવાયરસના ગયા પછી પણ લોકોએ સતર્કતા રાખવી પડશે.