Site icon Revoi.in

મમતા બેનર્જીને જીત અપાવનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી, બંગાળમાં પણ ભાજપ બનશે નંબર-1

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી શરૂ થતા પહેલા ચૂંટણી વ્યૂહરચનાકાર અને જન સુરાજના નેતા પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પીકેએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભાજપે દક્ષિણ અને પૂર્વમાં ઘણી મહેનત કરી છે અને આ લોકસભા ચૂંટણીમાં તેના પરિણામ સામે આવશે.

પ્રશાંત કિશોરે કહ્યુ છે કે તમને જાણીને આશ્ચર્ય થશે કે એવી પણ આશા છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં નંબર-1 બની જાય. તેના સિવાય ઓડિશામાં ભાજપ પહેલા અથવા બીજા સ્થાને રહે તેવી શક્યતા છે. તો કોંગ્રેસશાસિત તેલંગાણામાં પણ ભાજપના પહેલા અથવા બીજા સ્થાન પર રહે તેવું અનુમાન છે. મહત્વપૂર્ણ છે કે 2021ની વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર મમતા બેનર્જીની સાથે હતા. આ ચૂંટણીમાં ટીએમસીની જીત પણ થઈ હતી. માટે પશ્ચિમ બંગાળને લઈને પ્રશાંત કિશોરનું અનુમાન મહત્વ ધરાવે છે.

પીકેએ કહ્યુ છે કે આ વખતે પણ વિપક્ષે એક તક ગુમાવી દીધી છે અને હવે ન તો ભાજપને નજરઅંદાજ કરી શકાય છે અને ન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓછા આંકી શકાય છે. પ્રશાંત કિશોર ઘણીવાર કહી ચુક્યા છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતની મોટાભાગની બેઠકો પર ભાજપ જીત મેળવી શકે છે અને તેનાથી પૂર્વ અને દક્ષિણ ભારતમાં થનારા નુકશાનની ભરપાઈ થઈ જશે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસ ત્યારે ભાજપને આંચકો આપી શકે છે, જ્યારે તે ઉત્તર અને પશ્ચિમની 100 બેઠકો પર તેને હાર આપે અને આવું થવાનું નથી.

પૂર્વ અને દક્ષિણની બેઠકોને લઈને પ્રશાંત કિશોરે કહ્યુ છે કે ગૃહ મંત્રી અમિત શાહ અને પીએમ મોદીએ આ બેઠકો પર ખૂબ પ્રવાસ કર્યો છે. તો વિપક્ષી દળોએ આના પર ધ્યાન આપ્યું નથી. તેમણે કહ્યુ છેકે ગત પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલીવાર તમિલનાડુ ગયા છે અને તેની સરખામણીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કેટલીવાર ગયા છે. તેમણે કહ્યુ છે કે ઈન્ડી ગઠબંધન પણ પ્રભાવી નથી. તેમણે કહ્યુ છે કે વિપક્ષી દળોની વચ્ચે પરસ્પર તકરાર સમાપ્ત થઈ રહી નથી. તેમનો કોઈ એક એજન્ડા પણ નીકળીને સામે આવ્યો નથી.

પ્રશાંત કિશોરે કહ્યુ છે કે 2015-16 બાદ ઘણી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની હાર થઈ હતી. ત્યારે કોંગ્રેસની પાસે મોકો હતો. તો કોરોનાકાળ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બંગાળમાં અપ્રૂવલ રેટિંગ ઓછી થઈ ગઈ હતી. પરંતુ વિપક્ષી દળ પોતાના ઘરોમાં બેઠા રહ્યા. તેવામાં પીએમ મોદીએ ફરી એકવાર વાપસી કરી. 2019ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને 42માંથી 18 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ટીએમસીને 22 બેઠકો પર જીત મળી હતી. તેના પછી ભાજપે પશ્ચિમ બંગાળમાં ઘણી મહેનત કરી છે. સંદેશખાલીના મુદ્દાને પણ ટીએમસી સરકારની સામે ઉછાળવામાં કોઈ કસર છોડી નથી.