ગુજરાતમાં 36મી રાષ્ટ્રીય રમતોની તૈયારીઓ પૂર્ણ, 7000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
અમદાવાદ ગુજરાત ખાતે સૌ પ્રથમવાર 29મી સપ્ટેમ્બર થી 12 ઓક્ટોમ્બર દરમિયાન યોજાનાર 36મી નેશનલ ગેમ્સમાં આશરે 7000 થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં રાઈફ્લ ક્લબ અને ક્રાઉન એકેડેમી ખાતે શૂટિંગ સ્પર્ધાઓ યોજાવાની છે. જેમાં ટ્રેપ શૂટિંગની ઇવેન્ટસ્ માં પુરુષ અને મહિલા વિભાગમાં દેશમાંથી કુલ 16-16 ખેલાડીઓ ક્રાઉન એકેડેમી ખાતે ભાગ લેશે.
.ગુજરાતમાંથી આ વખતે 16 વર્ષીય યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર પણ ટ્રેપ શૂટિંગમાં ભાગ લેશે. 21મી માર્ચ 2006ના રોજ જન્મેલી યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટરે સાવલી તાલુકા રાઈફલ એસોસિએશન, વડોદરા ખાતેથી ટ્રેપ શૂટીંગ રેન્જમાં તેમની શૂટિંગ યાત્રા શરૂ કરી હતી.
આગામી 36મી રાષ્ટ્રીય રમતો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ રમતોને લઈને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા. 29મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહી 36 મી રાષ્ટ્રીય રમતોનો શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ રમતોનું સુચારું આયોજન થાય તે માટે ગાંધીનગરમાં યોજાનારી તમામ રમતો માટે પાટનગર સંપૂર્ણ સજ્જ બન્યુ છે.
ગાંધીનગરમાં જુદા-જુદા સ્થળોએ અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે વેઈટલિફ્ટિંગ, જુડો, તલવારબાજી, વુશુ, કુસ્તી અને બોક્સીંગની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આઈઆઈટી, ગાંધીનગર ખાતે ટ્રાયથલોન, સ્ક્વૉશ, એથલેટિક્સ,સૉફ્ટબોલ જેવી રમતો યોજાશે. જ્યારે વલાદ ખાતે આવેલી ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે શૂટિંગનું તથા પાટનગરના ‘છ’ માર્ગ ખાતે રોડ સાયક્લીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ખાતે જે રમતોનું આયોજન કરાયું છે. જેમાં તા. 30મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર દરમિયાન મહાત્મા મંદિર ખાતે વેઈટલિફ્ટિંગ, જુડો, તલવારબાજી, વુશુ, બોક્સીંગ,નો સમાવેશ થાય છે. જ્યારે આઈઆઈટી ખાતે ટ્રાયથલોન, સ્ક્વૉશ, એથલેટિક્સ, સૉફ્ટબોલ, તેમજ ક્રાઉન શૂટિંગ અને સ્પોર્ટ્સ એકેડમી, વલાદ ખાતે સાયક્લીંગ અને શોટગન શૂટિંગ સ્પર્ધા યોજાશે.