ગુજરાતમાં RTE હેઠળ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશની તૈયારીઓ
અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી શાળાઓમાં પણ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ) હેઠળ બાળકોને ભણાવવામાં આવે છે. સરકારના આ નિયમને કારણે હજારોની સંખ્યામાં ગરીબ પરિવારના બાળકો દર વર્ષે નજીકની ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરે છે. ચાલુ વર્ષે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. જો કે, કોરોના મહામારીને કારણે હાલ પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા આર.ટી.ઈ હેઠળ ગરીબ પરિવારના બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શિક્ષણનો અધિકાર હેઠળ ખાનગી શાળામાં વિનામુલ્યે ભણવા પોતાનાં સંતાનોને પ્રવેશ અપાવવા ઇચ્છતાં વાલીઓ માટે અરજી કરવાની પ્રક્રિયા આજથી થઈ છે. આજથી 24 જૂન સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાના અને 25 મી તારીખથી આગામી પાંચ જુલાઇ સુધીમાં જે તે સ્થળે ફોર્મ ભરવાનું રહેશે. આગામી છઠ્ઠી થી 10 મી જુલાઇ દરમિયાન જીલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 15 જુલાઇથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ શરૂ થશે.
WWW.RTE.ORPGUJ.COM. વેબસાઇટ પર વીઝીટ કરીને વાલીઓ પોતાના સંતોના પ્રવેશ માટેની કાર્યવાહી કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દરેક બાળકનો ભણવાનો અધિકાર છે. આ અધિકાર બાળકોને મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો કામગીરી કરી છે. ગુજરાતમાં દર વર્ષે સરકાર દ્વારા શાલા પ્રવેશ મહોત્સવ યોજાય છે. જેમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ગ્રામીણ વિસ્તારના બાળકોના શાળા પ્રવેશ માટે કામગીરી કરે છે.