રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીનો પાંચ દિવસનો લોક મેળો યોજાતો હોય છે. આમ તો સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો મેળાઓ ગામે ગામ યોજાતા હોય છે પણ રાજકોટનો મેળો કઈંક અનોખો જ હોય છે. મેળાની તૈયારીઓ મહિનાઓથી શરૂ કરી દેવામાં આવી છે. રાંધણ છઠ્ઠથી પરંપરાગત ભવ્ય અને ભાતીગળ લોક મેળો યોજાશે અને તેમાં સ્ટોલ અને પ્લોટ માટેના ફોર્મ નું વિતરણ આગામી સપ્તાહથી શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર અણ મહેશ બાબુએ જણાવ્યુ હતું.
રંગીલા રાજકોટના લોકમેળામાં રમકડા, ખાણીપીણી ચકરડી યાંત્રિક રાઈડસ આઈસ્ક્રીમના ચોકઠા સરકારી અને સામાજિક સંસ્થાના સ્ટોલ સહિત 364 સ્ટોલ રાખવામાં આવશે. ગયા વખતે ખાણીપીણીના સ્ટોલના રૂપિયા દોઢ લાખ, આઈસ્ક્રીમના ચોકઠાના અઢી લાખ યાંત્રિક રાઈડસના 1.40 લાખથી 3 લાખ સુધીના ભાવ હતા તે યથાવત રાખવામાં આવશે. હરાજી અને ડ્રો પદ્ધતિથી સ્ટોલ અને પ્લોટની ફાળવણી કરવામાં આવશે. છેલ્લે 2019માં કલેકટર દ્વારા લોકમેળોને મંજુરી આપવામાં આવી હતી. કોરોનાના કારણે બે વર્ષ સુધી લોકમેળાનું આયોજન થઈ શકયું નથી. હવે આ વખતે લોકમેળા સમિતિની પ્રથમ બેઠક મળી હતી અને બેઠકમાં મેળો યોજવાનો નિર્ણય લેવાયા બાદ ફોર્મ વિતરણ સહિતની વ્યવસ્થા સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવા માટે આગામી સપ્તાહમાં વધુ એક બેઠક મળશે.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મેળો યોજવો કે નહીં તેનો નિર્ણય લેવાનો હતો થોડા દિવસ અગાઉ જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થયા બાદ રાજકોટમાં મેળો યોજાશે તે નિશ્ચિત બની ગયું હતું અને હવે તે દિશામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટના લોકમેળામાં પાંચ લાખથી વધુ લોકો ભાગ લેતા હોય છે. માત્ર રાજકોટના જ નહીં બહારગામથી પણ અનેક લોકો મેળાને મહાલવા માટે આવતા હોય છે.