- કાલે સોમવારે દ્વારકાધિશનો 5251મો જન્મોત્સવ ધામધૂમથી માનાવાશે,
- મધરાતના ત્રણ વાગ્યા સુધી ઠાકોરજીના દર્શન કરી શકાશે,
- આજે મોટી સંખ્યા ભાવિકો ઉમટી પડ્યા
દ્વારકાઃ સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. કાલે સોમવારે 26મી ઓગસ્ટેના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવશે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ એવા કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડશે. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધિશનો 5251 મો જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે જન્માષ્ટમી પર્વને લઈ ભગવાન દ્વારકાધિશના નિત્યક્રમમાં ફેરફાર કરાયો છે.
દ્વારકાના દ્વારિકાધિશના મંદિરમાં આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. દ્વારકાધિશ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભાવિકો કાલે ઠાકોરજીના દર્શન કરી શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધી મંગળા દર્શન રહેશે સવારે 8 વાગ્યા થી 9 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન, ભગવાન દ્વારકાધીશને 7 પ્રકાર ના અલગ અલગ ભોગ ધરવામાં આવશે, રાત્રે 12 વાગ્યાના સમયે ભગવાન દ્વારકાધીશજીના જન્મોત્સવની આરતી થશે. રાત્રિના 12 વાગ્યા થી 3 વાગ્યા સુધી ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવ દર્શન ભક્તોને થશે જ્યારે મંગળવારે નોમના દિવસે ભગવાનના પારણાં ઉત્સવ ઊજવવામાં આવશે.
આવતી કાલે જન્માષ્ટમીના દિવસે તા.26-8-2024 ના રોજ શ્રીજીના દર્શનના સમયનો સવારનો ક્રમ શ્રીજીની મંગલા આરતી દર્શન 6 કલાકે, મંગલા દર્શન 6 થી 08 કલાકે, શ્રીજીની ખુલ્લે પડદે સ્નાન દર્શન અભિષેકના દર્શન 8 કલાકે, શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) 10 કલાકે, શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) 10:30 કલાકે, શ્રીજીની શ્રૃંગાર આરતી 11:00 કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) 11:15 કલાકે, શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) 12 કલાકે અનોસર (બંધ) 1 થી 5 કલાક સુધી બપોરે રહેશે. શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન 5 કલાકે, શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) 05:30 કલાકે 5:45 કલાકે, શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) 7:15 કલાકેથી 7:30 કલાકે, શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે, શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) 8 કલાકે થી 8:10 કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન 08:30 કલાકે, શ્રીજી શયન અનસર (દર્શન બંધ) 09:00 રહેશે.
શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે માટે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન 12 કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) 02:30 કલાકે રહેશે. જ્યારે તા.27-8-2024 ના રોજ પારણા ઉત્સવના દર્શન આ મુજબ રહેશે. શ્રીજીના દર્શન સવારે પારણા ઉત્સવ દર્શન 07 કલાકે, અનોસર (દર્શન બંધ) 10:30 કલાકે, સવારના 10:30 કલાકથી સાંજના 05 વાગ્યા સુધી (દર્શન) મંદિર બંધ રહેશે.
શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમનો સમય ઉત્થાપન દર્શન 05 કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન 05 થી 06 કલાકનો, શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા 06 થી 07 કલાકે (પટ/દર્શન બંધ રહેશે.), શ્રીજીના દર્શન 07 થી 07:30 કલાકે, શ્રીજીની સંખ્યા આરતી દર્શન 07:30 કલાકે, શ્રીજીને શયન ભોગ 08:30 કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) 09:30 કલાકે તેમ દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
જગતમંદિર દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવશે. ત્યારે બેટ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જન્માષ્ટમીને લઈ કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ માટે પોલીસ વિભાગ ખડેપગે રહેશે. આ વિશે માહિતી આપતા દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડે જણાવ્યું કે, જગત મંદિર ખાતે 1 એસ.પી 8 ડી.વાય.એસ.પી 31 પી.આઇ 66 પી.એસ.આઇ 1700 થી વધુ પોલિસ જવાનો તૈનાત રહેશે. કુલ મળીને 1700 થી વધુ પોલીસ બંદોબસ્ત સાથે જન્મોત્સવ ઉજવવામાં આવશે.