લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપની તૈયારીઓ, પ્રદેશ પ્રમુખ અને CM જિલ્લાવાર પ્રવાસ કરશે
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ભારતિય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં એક વર્ષ સુધી વિવિધ કાર્યક્રમો આપીને કાર્યકર્તાઓને દોડતા રાખવાનું આયોજન છે. ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જંગી લીડથી જીતવાની રણનીતિ ઘડી કાઢી છે. સતત ત્રીજી વખત તમામ 26-26 લોકસભા બેઠકો પર વિરોધી પક્ષના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય એવો વિક્રમી વિજય મેળવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે તેને પાર પાડવા માટે પ્રદેશ એકમ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીની હવે સમયાંતરે સમીક્ષા માટે ખુદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરીને કાર્યકર્તાઓની બેઠકો યોજશે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો પર વિજ્ય મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. એટલે વિધાનસભાની ચૂંટણીમાં કઈ બેઠકો પરથી ભાજપને કેટલા મતો મળ્યા તેમજ કઈ બેઠકો પરથી ઓછા મતો મળ્યા એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિક્રમી 156 બેઠકના વિજય પછી વીસેક બેઠકો ઓછા માર્જીનથી હાર થઈ છે એવી બેઠકો તેમજ જે બેઠકો પર માઈનસ કે નહીવત મત મળ્યા છે એના ડેટા એનાલીસીસ કરી પ્રત્યેક જિલ્લાને વિગતો આપવામાં આવી છે. આ જિલ્લા એકમો દ્વારા સંબંધિત બુથ કમીટીઓને મજબૂત કરી હવે લોકસભામાં કેવી રીતે ભાજપને મત મળે એના પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ભાજપે તેને વિધાનસભામાં જે બુથ પરથી મત મળ્યા છે એવા મતકેન્દ્રોમાં પણ વધુને વધુ મત મેળવવા માટે અત્યારથી સંપર્ક અભિયાન શરૂ કરવા સૂચના આપી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિતેલા સપ્તાહમાં પોતાના મતવિસ્તાર એવા નવસારી જિલ્લામાં બુથ સશક્તિકરણ અભિયાન 2023નો આરંભ કરાવ્યા પછી સુરત જિલ્લાની પણ આવી જ રીતે બેઠક યોજી હતી. હવે પછી બાકીના જિલ્લાઓમાં પણ પ્રમુખ પ્રવાસ કરશે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓ, મહાનગરોમાં સમાજના વિવિધ વર્ગોને સામેલ કરવા કાર્યક્રમો યોજવાની સૂચના આપી છે. એના ભાગરૂપે રવિવારે સુરતમાં એક દોડનો કાર્યક્રમ યોજાયો હતો, જયારે અમદાવાદમાં મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે ‘નમો અગેઈન 2024’ નારા સાથે ચારેય વોર્ડમાં નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. જેમાં મણીનગર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ચાર વોર્ડના યુવા મોરચા, બક્ષીપંચ મોરચો અને એસ.સી. મોરચા એમ ત્રણ મોરચાની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાથી જનપ્રતિનિધિઓના સંકલન બેઠકની શરૂઆત કરી છે. વડોદરા જિલ્લાના તમામ ભાજપના ધારાસભ્યો, સાંસદ, તાલુકા, જિલ્લાના ચુંટાયેલા હોદેદારો, સહકારી સંસ્થાઓના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રીની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠક સંદર્ભે ધારાસભ્ય કેયુર રોકડીયાએ જણાવ્યું છે કે, ભાજપ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જનજન સુધી કેન્દ્ર અને રાજયની યોજનાઓના લાભો પહોંચાડવા માટે કામ કરી રહી છે તેમાં જનપ્રતિનિધિઓ સાથે સંકલન બેઠક યોજી એમની પાસેથી માહિતી એકત્ર કરવાનો હેતુ છે. જિલ્લાથી લઈ છેક બુથ સુધી વિસ્તરેલા ભાજપના કાર્યકરો પાસેથી કેવા પ્રકારની રાજકીય, સામાજીક પરીસ્થિતિ છે તેની વિગતો મેળવવાના હેતુથી મુખ્યમંત્રી આગામી સમયમાં દરેક જિલ્લામાં આવી સંકલન બેઠકો યોજશે.