Site icon Revoi.in

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ, એસ.ટી 350 બસ દોડાવશે

Social Share

જૂનાગઢ :  શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવવામાં આવશે. કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી અને સરકારે મેળાને મંજુરી આપી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. વિભાગ  દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતે  50 મીની બસ દોડાવવામાં  આવશે. જેનું ભાડું નિયમ મુજબ રૂપિયા 20 રાખવામા આવ્યું છે. જ્યારે મેળા માટે અન્ય શહેરોની કુલ 350 બસ દોડાવવામાં આવશે.
જુનાગઢમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. આ યાત્રિકો માટે જૂનાગઢ એસ.ટી. દ્વારા તા.25મીથી  એસટીબસ સ્ટેન્ડથી ભવનાથ જવા માટે 50 મીની બસ શરૂ કરવામાં આવશે. જેનું ભાડું 20 રૂપિયા રાખવામાં આવ્યું છે.આ ઉપરાંત મેળામાં અન્ય શહેરોના લોકો આવી શકે તે માટે રાજકોટ,  મોરબી,  જામનગર,  દ્વારકા, ખંભાળિયા,  જામજોધપુર, પોરબંદર,  સોમનાથ,  ઉના, મહુવા, ભાવનગર, અમરેલી સહિતના  મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોની જૂનાગઢ વિભાગની 225 મોટી બસ તેમજ રાજકોટ , જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની 75 બસ મળી કુલ 350 બસ દોડાવવામાં આવશે.

આ ઉપરાંત વધારે ટ્રાફિક પ્રમાણે યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  મુસાફરોની  વધુ સુવિધા માટે ભવનાથ ખાતે સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા  સુધી અને જૂનાગઢ બસ સ્ટેશન ખાતે રાઉન્ડ ધ ક્લોક ઓનલાઇન બુકીંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મહાશિવરાત્રી મેળા માટે  એકસ્ટ્રા બસ સંચાલન માટેના  બુથનું ઉદ્દઘાટન તા.25ના  સવારે 10-30 જૂનાગઢ બસ સ્ટેશન  ખાતે કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોવિડ ગાઇડલાઇનનું  પાલન થાય તે  માટે જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જી.પં.ગેસ્ટ હાઉસ, પાજનાકા પુલ, ભરડાવાવ, અને ભવનાથ કન્ટ્રોલ રૂમ, ખાતે ત્રણ ત્રણ  એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂંક કરવામાં આવી છે. તેઓ  રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે.. જે  પોલીસ વિભાગના સંકલનમાં રહી કામગીરી કરશે.
આઠ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે, ત્રણ  સ્થળે હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. ઉપરાંત કોવિડ ગાઈડલાઇનના પાલન  સાથે ભાવિકો મેળામાં આવે ત્યારે તેમને આરોગ્ય સુવિધા  મળી રહે તે માટે ગિરનાર દરવાજાથી ભવનાથ  સુધીમાં  આઠ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.  રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રામટેકરી, રોપવે અને સક્કરબાગ ઝૂ ખાતે વેક્સિનેશન તેમજ સર્વેલન્સ અને ટેસ્ટિગ માટે આરોગ્ય ટીમ સતત ફરજ બજાવશે. તેમજ  જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ઝોનલ ઓફિસ, ભવનાથ નાકોડા પીએચસી,  ભારતી બાપુના આશ્રમ ખાતે આઇસીયુ સાથે એમ ત્રણ દવાખાના શરૂ કરાશે. જેમાં  મનપા, જી.પં. અને સિવિલ હોસ્પિટલના સંકલનથી  મેડિકલ ઓફિસર 24 કલાક  ફરજ બજાવશે. (file photo)