Site icon Revoi.in

ડાકોરમાં ફાગણી પૂનમના મેળાની તૈયારીઓ,વહીવટીતંત્રની બેઠક યોજાઇ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે તમામ નિયંત્રણો હળવા કરી દીધા છે. અમદાવાદ અને વડોદરા સિવાય તમામ શહેરોમાં કરફ્યુ પણ ઉઠાવી લેવામાં આવ્યો છે. બીજાબાજુ મહાશિવરાત્રીના મેળાને પણ મંજુરી આપી દેવામાં આવી છે. ત્યારે ડોકારના ફાગણી પુનમના મેળાને પણ મંજુરી આપવામાં આવશે. તેવી શક્યતાને પગલે વહિવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડાકોર ખાતે આગામી ફાગણી પુનમે ભરાનાર મેળો તથા દર્શનાર્થે આવનારા યાત્રાળુઓ માટેની સુવ્યવસ્થા જળવાય તે માટે આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓને સુચારૂં અને સુવ્યવસ્થિત માઇક્રો પ્લાનીંગ કરવા તથા આગોતરૂં આયોજન કરવા સુચના આપવામાં આવી હતી. દર્શનાર્થે આવનારા યાત્રાળુઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે કાયદો, વાહન વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તથા તમામ પોઇન્ટના સંબંધિત અધિકારીઓ દ્વારા રૂબરૂ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી.

ડાકોરમાં મેળા દરમિયાન રસ્તા, વાહનો ટ્રાફિક, પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય વિષયક પ્રાથમિક સુવિધાઓ તથા યાત્રાળુઓનાં ધસારાને વ્યવસ્થિત દર્શન કરાવવા સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માઇક્રો આયોજન ગોઠવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી નાયબ કલેકટર આર.એલ.પટેલ, પ્રાંત અધિકારી સહિત જિલ્લાના તથા તાલુકાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે. કે ગત વર્ષે પણ કોરોનાને કારણે ડોકારમાં ફાગણી પુનમનો મેળો યોજી શકાયો નહતો. આથી આ વર્ષે મોટી સંખ્યામાં યાત્રિકો આવે તેવી શક્યતા છે. (file photo)