અમદાવાદઃ રાજયમાં કોરોના કેસમાં ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે. અમદાવાદ શહેરમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે, ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે રથયાત્રા અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે, પરંતુ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે જળયાત્રા નિયત પ્રોટોકોલ મુજબ યોજાશે અને રથયાત્રાનો નિર્ણય કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવાશે. ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે રથયાત્રા માટે યોગ્ય સમયે નિર્ણય લઈશું
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે. જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રીતે રથયાત્રા યોજવી એનો નિર્ણય લેવામાં આવશે એમ જણાવ્યું છે. રથયાત્રા પહેલાં પરંપરાગત રીતે નીકળતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે યોજાશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે તમામ લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે અને દર્શનનો લહાવો મળે. આ વર્ષે સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચર્ચાવિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સ સાથે ઓછી સંખ્યામાં લોકોને રાખી જળયાત્રા યોજવામાં આવશે.
મુખ્યપ્રધાને કહ્યું હતું તે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. હજી પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી બને છે. આપણે લોકડાઉન વિના જ કોરોનાને હરાવ્યો છે. સ્થિતિ હવે નિયંત્રિત થઈ રહી છે, પરંતુ રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો-કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આજે સવારે જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે વેક્સિનેશન કેમ્પના ઉદઘાટન બાદ સેકટર 1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં. દર્શન કર્યાં બાદ સેક્ટર 1 જેસીપી રાજેન્દ્ર અસારી, ડીસીપી ઝોન 3 મકરંદ ચૌહાણ , એસીપી અને પીઆઇ સાજીદ બલોચે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ચર્ચાવિચારણા કરી હતી. પોલીસ કમિશનરની વીડિયો-કોન્ફરન્સ બાદ આજે જેસીપીએ મુલાકાત લેતાં હવે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે ખલાસી ભાઈઓએ પણ મીટિંગ કરી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવતું હોય છે. અખાત્રીજના દિવસે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યું હતું. માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો.