Site icon Revoi.in

અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ તૈયારીઓ, ગૃહરાજ્ય મંત્રીએ જગન્નાથ મંદિરમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી

Social Share

અમદાવાદઃ શહેરમાં પરંપરાગત દર વર્ષે અષાઢી બીજના રોજ નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને  દોઠેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે નિકળશે.  રથયાત્રાની પૂર્વ તૈયારીના સંદર્ભે  ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી  શહેર પોલીસ કમિશનર અને ટોચના અધિકારીઓ સાથે જગન્નાથ મદિર પહોંચ્યા હતા. અને મંદિરના ટ્રસ્ટીઓ સાથે તેમજ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ ગૃહરાજ્ય મંત્રીએ મંદિરમાં આરતી ઉતારી હતી.

ગુજરાતમાં કોરોનાનો કપરો કાળ પૂર્ણ થઈ જતાં આ વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા ભારે આનંદોલ્લાસથી નિકળશે. આ વખતે રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. અષાઢી બીજના દિને નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે દોઢેક મહિનો બાકી રહ્યો છે, ત્યારે મંદિર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે પોલીસ દ્વારા પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં જઈને ભગવાનની આરતી ઉતારી હતી. તે ઉપરાંત શહેરમાં શાતિપૂર્ણરીતે રથયાત્રા મહોત્સવ સંપન્ન થાય  તે માટે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચાઓ પણ કરી હતી.

ભગવાન જગન્નાથજી અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર દ્વારા આ વખતે અખાત્રિજે ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના એમ ત્રણેય રથનું ભક્તો અને મંદિરના સેવકોની હાજરીમાં પૂજન કરવામાં આવ્યું હતું.

જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમજ શણગાર કરેલી ટ્રકો સાથે નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તોની હાજરીમાં નીકળશે અને લોકો ભગવાનના દર્શન કરી શકશે. 14મી જૂને ભગવાનની જળયાત્રા યોજાશે અને 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.