- ધો.10 અને 12ની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ
- પ્રશ્નપત્રોને સ્ટ્રોંગરૂમમાં કરાયા સીલ
- 76 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજકોટ:કોરોનાનું સંકટ ટળ્યા પછી પહેલી વાર બોર્ડની પરીક્ષા આપવા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સજ્જ બન્યા છે.રાજ્યમાં આગામી 28 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ યોજાશે.જેને લઈને રાજકોટમાં પણ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.
રાજકોટમાં કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે સીસીટીવી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્રોને સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા છે.સાથે- સાથે આગામી 27 માર્ચ એટલે કે રવિવારના રોજ આ માટે ખાસ કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે,જે આગામી 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે.આમ,284 બિલ્ડિંગના 2682 બ્લોક પર 76 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ ઉપરાંત રાજકોટ જેલના 120 જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપનાર છે જેમાં ધોરણ 10 માં 90 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 જેટલા કેદી પરીક્ષા આપનાર છે.જેમના માટે પણ વ્યવસ્થા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોઠવવામાં આવી છે.
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, 28 માર્ચથી શરુ થતી બોર્ડ પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં ધો.10માં 175 બિલ્ડીંગના 1592 બ્લોક પરથી 47760 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 79 બિલ્ડીંગના 731 બ્લોક પરથી 21930 અને વિજ્ઞાન પ્રવાહમાં 30 બિલ્ડીંગના 359 બ્લોક પરથી 7180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જે તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV હોવાથી ટેબલેટની જરૂર નહિ રહે.
.