Site icon Revoi.in

અમદાવાદમાં 146માં રથોત્સવની ધૂમ તૈયારીઓ, નવ નિર્મિત રથોનું ટેસ્ટિંગ કરાયું

Social Share

અમદાવાદઃ  શહેરમાં દર વર્ષે  અષાઢી બીજના રોજ પરંપરાગત યોજાતી રથયાત્રાને એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથની 146ની રથયાત્રા આગામી 20 જૂનના રોજ યોજાશે, ભગવાન માટે નવા રથ બનાવવામાં આવ્યા છે.આજે ભગવાનની જગન્નાથના નંદીધોષ રથનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો. ખાસ કરીને રથયાત્રા જ્યારે માણેકચોકમાં ચાંલ્લાની પોળ ખાતે સાંકડી ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે તકલીફ પડે છે. નવા રથમાં પણ માણેકચોકમાં આવી કોઈ તકલીફ ન પડે તેના માટે થઈ અને આજે રથ જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં જ એવી રીતે સાંકડી જગ્યા છે જેથી ત્યાંથી પસાર થઈ શકે કે કેમ તેનું આજે ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં ઐતિહાસિક ગણાતી રથયાત્રાની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આજે નવનિર્મિત રથનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ. ખલાસી બંધુઓ દ્વારા રથનું રિહર્સલ કરાયું હતુ.  રથયાત્રાના રૂટ પર આવતી ગલીઓમાં રથ વળશે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. ભગવાનના ત્રણેય રથના પૈડામાં બોલબેરિંગ લગાવવામાં આવ્યા છે. એટલે રથ આસાનીથી દોડી શકશે.  રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાનના રથ હોય છે. જોકે દર વર્ષે પુરીમાં ભગવાનના રથનું નિર્માણ થતું હોય છે. પરંતુ 72 વર્ષ બાદ અમદાવાદના રથનું નિર્માણ કરાયું છે. એટલે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નવા રથમાં બિરાજશે.

અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે. 2023 માં 146મી રથયાત્રા નીકળશે. આ માટે હાલ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી માટે ત્રણેય નવા રથનું નિર્માણ થઈ રહ્યું છે. પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથનું નિર્માણ કરાયું છે. નવા રથ નિર્માણ માટે સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું હતુ. ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવ્યા છે.