- આશાપુરા માતાજીના મંદિરમાં 10 દિવસ મેળાનો માહોલ,
- 245 સ્ટોલની ફાળવણી કરાઈ,
- ગામ-પરગામથી શ્રદ્ધાળો ઉમટી પડશે
ભૂજઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે કચ્છમાં આવેલા સુપ્રસિદ્ધ તિર્થસ્થાન અને માતાના મઢ તરીકે ઓળખાતા આશાપુરા માતાજીના મંદિરમાં નવરાત્રીની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના પટાગણમાં દસ દિવસ સુધી મેળાનો માહોલ જોવા મળશે. આ માટે ગ્રામ પંચાયત દ્વારા ધંધા રોજગાર માટે ધંધાર્થીઓને 245 જેટલા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે.
કચ્છમાં માતાના મઢમાં નવરાત્રિ દરમિયાન પાંચથી છ લાખ જેટલા ભાવિકો દર્શન માટે આવતા હોય છે. દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તેમજ જાગીર ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિર પરિસર તેમજ પ્રવેશ દ્વાર પાસે રેલિંગ, ડોમ સહિતની કામગીરી પૂર્ણતાને પહોંચી છે. મંદિરને રંગબેરંગી લાઈટથી સજાવટનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. બીજી ઓક્ટોબરના મોડી સાંજે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસે તા. 3/10 થી અશ્વિન નવરાત્રી પર્વ ઉજવણીનો આરંભ થશે.
સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ધંધાર્થીઓ માટેના પ્લોટની ફાળવણીની કામગીરી કરાઇ હતી. તલાટીએ જણાવ્યું હતું કે, 300 જેટલા સ્ટોલની ફાળવણી કરવામાં આવશે, જે પૈકી 245 સ્ટોલ ફાળવી દેવાયા છે. પ્રસાદી, રમકડા ખાણીપીણી, કટલેરી જેવા સ્ટોલોની ફાળવણી કરવામાં આવી હતી. અગાઉ જ્યાં મંદિર સામે મઢ જાગીર અધ્યક્ષનું નિવાસસ્થાન તેમજ તેની બાજુમાં 25 રૂમનું બિલ્ડીંગ હતું તે હટાવી દેવામાં આવતા મંદિર પરિસર 75 હજાર સ્કેવર ફૂટ જેટલું વિશાળ બન્યું છે. તેમજ પ્રવેશદ્વાર સામે જ બહારના ભાગમાં 45 ફૂટ જેટલી ઊંચી દીપમાળાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ગેટ નંબર ચાર પાસે કામો પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી રહેવા માટેની સુવિધામાં મુશ્કેલી પડે છે. જોકે અહીં પાટીદાર સમાજ વાડીના 44 રૂમ, લોહાણા સમાજ વાડીમાં 20 રૂમ તેમજ ચાર મોટા હોલ સાથે ક્ષત્રિય સમાજ વાડીના 18 રૂમ, બે મોટા હોલની સુવિધા સાથે ખાનગી ગેસ્ટ હાઉસ પણ આવેલા છે જે અત્યારથી જ બૂક થઈ ગયા છે.
મંદિરના પૂજારી ગજુભાઈ ચૌહાણ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન વહેલી સવારે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા બાદ મંગળા આરતી થશે. જ્યારે સવારે નવ કલાકે ધૂપ આરતી, સાંજે સંધ્યા આરતી બાદ રાત્રે બાર વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. સાતમના હવનની રાત્રીએ મંદિર રાતભર ખુલ્લું રહેશે.