Site icon Revoi.in

સરકારે હજુ મંજુરી નથી આપી પણ જગન્નાથજી મંદિરે રથયાત્રાની તૈયારીઓ શરી કરી દીધી

Social Share

અમદાવાદઃ શહેરમાં દરવર્ષે અષાઢીબીજના દિને પરંપરાગત યોજાતી રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. સરકારે હજુ રથયાત્રાને વિધિવત મંજુરી આપી નથી પણ જે રીતે તૈયારીઓ થઈ રહી છે, તે જોતા મંજુરી એકાદ બે દિવસમાં આપી દેવાશે બીજીબાજુ જગન્નાથજી મંદિર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને  સરકાર રથયાત્રા માટે મંજૂરી આપે કે ન આપે, પણ ચાલુ વર્ષે રથયાત્રા નીકળીને જ રહેશે, એવું જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું.

એટલું જ નહીં, રથયાત્રા 6 જ કલાકમાં એના નિર્ધારિત રૂટ પર નીકળીને નિજમંદિરે પરત ફરે એ માટે મજબૂત બાંધાના 40 ખલાસીભાઈની યાદી તૈયાર કરાઈ છે. હાલમાં તેમને કોરોનાની રસી અપાવવાની કામગીરી ચાલે છે, યાદીમાંના જે ખલાસીભાઈઓને રસી લેવાની બાકી છે તેમને 2 દિવસમાં રસી આપી દેવાશે.

શહેરમાં પરંપરાગત રીતે અષાઢીબીજના રોજ નિકળતી રથયાત્રા ચાલુ વર્ષે  નીકળશે કે નહીં એ અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવાયો નથી, પરંતુ મંદિર ટ્રસ્ટી મંડળ, મોસાળ, પોલીસ, મ્યુનિ.કોર્પોરેશને રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રથયાત્રા અંગે ચાલતી વિસંગતિ વચ્ચે દિલીપદાસજીએ જણાવ્યું હતું કે સરકાર મંજૂરી આપે કે નહીં આપે, પણ રથયાત્રા તો નીકળશે જ. રથયાત્રાને હવે માંડ 12 દિવસ બાકી રહ્યા છે ત્યારે દિલીપદાસજીના આ નિવેદનથી એ વાત નક્કી છે કે સરકાર રથયાત્રા કાઢવાના મૂડમાં છે, પરંતુ સરકાર હાલમાં કોઈ જાહેરાત કરીને વિવાદ ઊભો થવા દેવા માગતી નથી, જેથી થોભો અને રાહ જુઓની નીતિથી કામ કરી રહી છે. દર વર્ષની જેમ સુરક્ષાદળની 40 કંપની માગવામાં આવશે

રથયાત્રા કાઢવા માટે જે 40 ખલાસીભાઈઓની યાદી તૈયાર કરી છે તેમાંથી 85 ટકા ખલાસીઓએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે, જ્યારે બાકી રહેલા 15 ટકા ખલાસી ભાઈઓને 2 જ દિવસમાં રસી આપી દેવાશે. જે પણ ખલાસીભાઈએ રસી લીધી હશે તેને રથ ખેંચવા દેવાશે.

રથયાત્રામાં દર વર્ષે શહેર પોલીસના 13 હજાર જવાન ઉપરાંત ટ્રાફિક-પોલીસ, હોમગાર્ડ તેમજ એસઆરપી, આરએએફ, બીએસએફ અને સીઆરપીએફની 40 કંપની તહેનાત રહે છે. અન્ય શહેરોમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓ અને અધિકારીઓ મળીને 22થી 25 હજાર પોલીસ સુરક્ષાકર્મી રથયાત્રાના બંદોબસ્તમાં તહેનાત રહે છે. તમામ પોલીસ અધિકારી-કર્મચારીને તૈયાર રહેવા સૂચના આપી દેવાઈ છે. સુરક્ષાદળની 40 કંપની ફાળવવા ડીજીપીની મંજૂરી મગાઈ છે.